બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો
Bihar Assembly Election 2025 : બિહારમાં વિધાનસભા ચૂંટણી લઈને ભારે ધમધોકાટ ચાલી રહ્યો છે. એકતરફ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો મુદ્દો ઉકેલાયો નથી, કયા પક્ષને કેટલી બેઠકો આપવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, ત્યારે કેન્દ્રીય મંત્રી અને લોજપા (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને આજે (22 સપ્ટેમ્બર) પટનામાં પત્રકારો સાથે વાતચીત કરીને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, NDAમાં નવરાત્રિના શુભ દિવસોમાં સીટની વહેંચણી થઈ જશે.
અમે બેઠકોની વહેંચણી મામલે કોઈ સમજુતી કરાશે નહીં : ચિરાગ
ચિરાગ પાસવાને (Chirag Paswan) કહ્યું કે, બેઠકોની વહેંચણી મામલે સન્માન સાથે કોઈ સમજુતી કરાશે નહીં. હું માનું છું કે હવે સીટોની વહેંચણી માટે ચર્ચાઓનો દોર શરૂ થશે. શુભ દિવસોની શરૂઆત થઈ રહી છે, તો મને લાગે છે કે શુભ દિવસોમાં વાત થશે અને બધું સારું જ રહેશે. અમારી સ્થિતિ સન્માનજનક જ રહેશે.’
ચિરાગે કોંગ્રેસ-આરજેડી પર સાધ્યું નિશાન
કોંગ્રેસની CWC બેઠક પર ટિપ્પણી કરતા ચિરાગે કહ્યું કે, ‘કોંગ્રેસને બિહારની યાદ આવી તે સારું છે, પરંતુ આ દબાણની રાજનીતિ જેવું લાગી રહ્યું છે. તેજસ્વી યાદવ 243 સીટો પર લડવાની વાત કરે છે, પરંતુ કોંગ્રેસ ક્યારે આ માટે સંમત થયા નથી. જેથી એવું લાગી રહ્યું છે કે, આ મામલે કોંગ્રેસ અને આરજેડી વચ્ચેના આંતરિક લડાઈ દેખાઈ રહી છે.
ચિરાગનો કોંગ્રેસ-આરજેડીને પડકાર
ચિરાગ પાસવાને કોંગ્રેસ અને આરજેડી બંનેને પડકાર ફેંકતા કહ્યું કે, જો તેમનામાં હિંમત હોય તો એકલા હાથે ચૂંટણી લડીને બતાવે. મેં ઓછામાં ઓછા 2020માં એકલા હાથે ચૂંટણી લડવાની હિંમત તો બતાવી હતી. આમાંથી કોઈમાં પણ હિંમત નથી કે તેઓ એકલા ચૂંટણી લડી શકે.’