- મોદીના હનુમાને મુશ્કેલ બેઠકો પણ જીતી બતાવી
- ચિરાગના પક્ષ એલજેપીને 29 બેઠકો મળી હતી જેમાં 75 ટકા પર જીત-લીડ મેળવી એનડીએને 200 પાર કરાવી
પટણા : બિહારમાં એનડીએના પક્ષો ભાજપ, જદ(યુ)ની સાથે સાથે ચિરાગ પાસવાનના પક્ષ એલજેપીએ પણ મહત્વપૂર્ણ બેઠકો પર જીત મેળવી હતી. બિહાર વિધાનસભાની આ ચૂંટણીમાં ચિરાગ પાસવાન આ ઇલેક્શન ઇનિંગમાં ફિનિશરની ભૂમિકામાં જોવા મળ્યા, લોકોએ સોશિયલ મીડિયા પર ચિરાગ પાસવાનની સરખામણી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે કરી હતી કહ્યું હતું કે અંતિમ ઓવરમાં જે રીતે જાડેજા રમીને મેચ પોતાના નામે કરી લે છે તેવુ જ ચિરાગ પાસવાને ચૂંટણીની મેચમાં કરી બતાવ્યું.
ચિરાગ પાસવાનના પક્ષ એલજેપીને એનડીએમાં ૨૯ બેઠકો ફાળવવામાં આવી હતી જ્યારે ભાજપ ૧૦૧ અને જદ(યુ) ૧૦૧ બેઠક પર ચૂંટણી લડી રહ્યા હતા. ભાજપ અને જદ(યુ)એ ઓપનિંગ બેટ્સમેનની જેમ મજબૂત શરૂઆત કરી હતી પરંતુ ફિનિશિંગ ટચ ચિરાગના પક્ષે આપવાનો હતો અને તેમણે આ કામ કરી પણ બતાવ્યું. ચિરાગ પાસવાન આ ચૂંટણીમાં મેન ઓફ ધ મેચ સાબિત થયા. એલજેપીને જે ૨૯ બેઠકો ફાળવવામાં આવી હતી તેમાંથી ૭૦ ટકાથી વધુ બેઠકો પર ઉમેદવારો આગળ છે. જો ૨૯માંથી ૨૧ બેઠકો પણ જીતી લે તો તેની સ્ટ્રાઇક રેટ ૭૨.૪૧ ટકા રહેશે. ચિરાગ પાસવાનને કારણે જ એનડીએ ૨૦૦ પાર જઇ શકી હતી. સોશિયલ મીડિયા પર ચિરાગ પાસવાનને નરેન્દ્ર મોદીના હનુમાન માનવામાં આવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ચિરાગ પાસવાનને આ ચૂંટણીમાં જે બેઠકો લડવા માટે મળી હતી તે ઘણી મુશ્કેલ હતી. જેમ કે સિમરી બખ્તિયારપુર સીટ પર ગત વિધાનસભા ચૂંટણીમાં આરજેડીએ જીતી મેળવી હતી. દરૌલી બેઠક પર સીપીઆઇ(એમએલ)એલની સત્તા રહી હતી. બહાદુરગંજ બેઠક પર ૨૦૦૫થી એનડીએના કોઇ ઉમેદવારની જીત નથી થઇ જોકે આ વખતે ચિરાગ પાસવાનના પક્ષે આ બેઠક પર પણ લીડ મેળવી લીધી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાને એકલા ચૂંટણી લડી હતી પરંતુ માત્ર એક જ બેઠક મળી હતી.


