એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે ભારત અને ચીન, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા વાંગ યી
Wang Yi India Visit: અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદ દરમિયાન ચીન અને ભારત વચ્ચે નિકટતા વધી રહી છે. બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને સારા કરવાને લઈને આગળ આવી રહ્યા છે. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી આજે સોમવારે (18 ઓગસ્ટ) તેમના બે દિવસીય પ્રવાસ પર ભારત પહોંચ્યા છે. આમ વાંગ યી અને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક મળી, જેમાં જયશંકરે ચીની અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. બેઠકમાં વાંગ યી કહ્યું કે, 'ભારત અને ચીન એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે.'
ચીનના વિદેશ મંત્રીએ શું કહ્યું?
જયશંકર સાથે બેઠકમાં વાંગ યીએ કહ્યું હતું કે, 'અમે બોર્ડર પર શાંતિ જાળવી રાખવાની કોશિશ કરી છે. અમે સહયોગ વધારવા અને ચીન-ભારતના સંબંધોમાં સુધારો અને વિકાસ કરવાની ગતિને વધુ મજબૂત કરવાનો વિશ્વાસ જતાવ્યો છે. જેથી આપણા બંનેના વિકાસની સાથે-સાથે એકબીજાની સફળતામાં પણ યોગદાન આપી શકીએ. આ સાથે એશિયા અને વિશ્વમાં સ્થિરતા લાવી શકાય, જેની જરૂરત છે...'
મતભેદ વિવાદનું સ્વરૂપ ધારણ ન કરે: જયશંકર
એસ. જયશંકરે કહ્યું કે, 'ચીન અને ભારત વચ્ચેના સંબંધો મુશ્કેલ સમયમાંથી પસાર થયા અને હવે બંને દેશોની સમજણથી તેને યોગ્ય બનાવવાનો પ્રયાસ શરૂ છે. બંને દેશ વચ્ચે એક સ્પષ્ટ અને રચનાત્મક દ્રષ્ટિકોણની આવશ્યકતા છે. આ પ્રયાસમાં એકબીજાનું સમ્માન, સંવેદનશીલતા અને પારસ્પરિક હિતને ધ્યાનમાં રાખવું જોઈએ. તેમજ એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે, મતભેદ વિવાદનું સ્વરૂપ ધારણ ન કરે અને પ્રતિસ્પર્ધા સંઘર્ષમાં પરિવર્તિત ન થાય.'
ચીન અને ભારતના સંબંધોને લઈને જયશંકરે કહ્યું કે, 'બંને દેશ વચ્ચેના સંબંધોમાં સકારાત્મક ગતિ ત્યારે જ આવી શકે છે, જ્યારે બોર્ડર પર શાંતિ રહે. તમે અમારા વિશેષ પ્રતિનિધિ એનએસએ અજીત ડોભાલ સાથે બોર્ડર સંબંધિત મુદ્દા પર ચર્ચા કરશો. તેમજ એ પણ જરૂરી છે કે, બંને દેશ વચ્ચેનો તણાવ ઓછો કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવે.'
આ પણ વાંચો: USAમાં EVM પર પ્રતિબંધ લગાવશે ટ્રમ્પ, કહ્યું- વિવાદિત, ખર્ચાળ અને ગરબડની આશંકા
જયશંકરે આ દરમિયાન ટેરિફ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાનો પણ સંકેત આપતા કહ્યું હતું કે, 'જ્યારે વિશ્વના બે સૌથી મોટા દેશો મળે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પર ચર્ચા થવી સ્વાભાવિક છે. અમે મલ્ટિપોલર એશિયા સહિત એક ન્યાયી, સંતુલિત અને મલ્ટિપોલર વૈશ્વિક વ્યવસ્થા ઇચ્છીએ હાલના ધોરણે વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા જાળવવી અને જાળવી રાખવી સ્પષ્ટપણે જરૂરી છે.'