USAમાં EVM પર પ્રતિબંધ લગાવશે ટ્રમ્પ, કહ્યું- વિવાદિત, ખર્ચાળ અને ગરબડની આશંકા
Donald Trump ban on EVMs : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દેશમાં વોટિંગ મશીનથી મતદાન બંધ કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા માધ્યમ ટ્રુથ સોશિયલમાં આ અંગે માહિતી આપી છે. આ સાથે ટ્રમ્પે ઈ-મેઈલથી થતા મતદાન પર પણ રોક લગાવાની વાત કરી છે. USAમાં EVM પર પ્રતિબંધને લઈને ટ્રમ્પે કહ્યું કે, 'વોટિંગ મશીન હેક થઈ શકે છે અને તેનાથી ચૂંટણીમાં ગરબડ થવાની પણ શક્યતા રહે છે.' પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે, સમગ્ર મામલે તે એક એક્ઝિક્યુટિવ આદેશ આપશે. આ પછી 2026 ની ચૂંટણીમાં વોટિંગ મશીન અને ઈ-મેઈલ દ્વારા મતદાન પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ટ્રમ્પે ચૂંટણીમાં છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરી
ડોનાલ્ડ ટ્રમ્પે આજે સોમવારે (18 ઓગસ્ટ) ટ્રુથ સોશિયલ પર પોસ્ટ મૂકીને USAમાં EVM પર પ્રતિબંધ મામલે વાત કરી હતી અને મશીન દ્વારા થતી ચૂંટણીમાં છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, અમેરિકન ચૂંટણીમાં અત્યાર સુધી આવી છેતરપિંડી ક્યારેય જોવા મળી નથી. તમને જણાવી દઈએ કે, ડેમોક્રેટ્સ મેઇલ બેલેટ દ્વારા મતદાનનું સમર્થન કરે છે.
બીજી તરફ, ટ્રમ્પ અને રિપબ્લિકનને મેઇલ-ઇન વોટિંગને કારણે ચૂંટણીમાં ગરબડ થવાનો ડર છે. તેમનું કહેવું છે કે, વોટિંગ મશીનો હેક થવાનો ભય છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પરની પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'હું એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યો છું. જેમાં મેઇલ-ઇન બેલેટ અને અત્યંત અચોક્કસ, ખર્ચાળ અને ગંભીર રીતે વિવાદાસ્પદ વોટિંગ મશીનોથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરાશે. આ વોટિંગ મશીનો વોટરમાર્ક કરેલા પેપર કરતાં 10 ગણા મોંઘા છે.' ટ્રમ્પે પેપર દ્વારા યોજાતી ચૂંટણીને ઝડપી અને કોઈ શંકા વિનાની હોવાની ગણાવી છે.