ભારતને દર્દીઓની સારવારમાં કરતા મેડિકલ સ્ટાફ માટે PPEના સપ્લાયની ચિંતા
નવી દિલ્હી, તા. 9 એપ્રિલ 2020, ગુરુવાર
કોરોનાના વધતા જતા દર્દીઓ વચ્ચે સ્વાસ્થ્યકર્મીઓ માટેના PPE(પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ)સુટની અછતની ચિંતા સરકારને સતાવી રહી છે.
ભારતને તેમાં પણ ચીનની આડોડાઈનો સામનો કરવો પડી રહ્યો છે.PPE આમ તો દેશમાં બને છે અને તેને બનાવવા માટેનુ રો મટિરિયલ પણ ભારત પાસે છે. પરંતુ તેને સીવવા માટેના વધારાના મશિન ભારત પાસે નથી. આ મશીન ચીન પાસે મંગાવવાનના છે પણ ચીને મશીન સપ્લાય કરવા માટે 14 વીકનો સમય માંગ્યો છે.
સરકારી અધિકારીને ટાંકીને એક અખબારના રિપોર્ટ પ્રમાણે જર્મની પણ આ મશીન બનાવે છે પણ દેશ લોકડાઉનના કારણે બંધ છે. ભારત હાલમાં જે પણ મશીન ઉપલબ્ધ છે તેનાથી રોજ 12000 PPE બનાવે છે. જે 23 એપ્રિલ સુધી વધારીને રોજના 30000 કરી શકાય છે.
અધિકારીનુ કહેવુ છે કે, જો ભારતને બીજા 200 થી 300 મશીન મળે તો રોજ PPEનુ ઉત્પાદન વધારીને એક લાખ કરી શકાય છે.
ચિંતા એ છે કે, જો દર્દીઓ વધ્યા તો PPEની વધારે જરુર પડશે અને જો તેની અછત રહેશે તો સારવાર કરી રહેલો મેડિકલ સ્ટાફ બીમાર થઈ શકે છે. સરકાર હવે બીજા દેશોમાંથી PPE મંગાવી રહી છે. અત્યાર સુધીમાં બે લાખ PPE આવી ચુક્યા છે. જ્યારે 15 એપ્રિલ સુધીમાં બીજા બે લાખ સુટ આવશે.
સરકારનુ લક્ષ્ય જુન સુધીમાં દોઢ કરોડ PPE બનાવવાનુ છે. ભારતમાં આ સુટ બનાવતી 12 કંપનીઓ છે.બીજી 12 કંપનીઓ તેમાં ઉમેરાશે.ભારતમાં 65000 PPE બની ચુક્યા છે. સરકારે ખાનગી કંપનીઓને પણ ચીનમાં મશીનના સપ્લાયરો પર દબાણ વધારવા માટે કહ્યુ છે.