ડ્રેગન અને હાથીએ સાથે ચાલવાની જરૂર, જયશંકર સાથેની મુલાકાત પછી ચીનના ઉપ પ્રમુખનું નિવેદન
S Jaishankar Visits China For SCO Summit: ગલવાન ખીણમાં વર્ષ 2020માં થયેલી અથડામણ બાદ પહેલી વાર ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ચીનની મુલાકાતે ગયા છે. ગલવાન ખીણમાં થયેલી અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. ભારત-ચીન સંબંધો સુધારવા માટે જયશંકરની ચીનની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ચીનના ઉપ પ્રમુખ હાન ઝેંગે ભારત સાથે પરસ્પર સહયોગ વધારવા સલાહ આપી છે. ઉપરાષ્ટ્રપતિ ઝેંગે કહ્યું છે કે ભારત અને ચીન બંને મોટા વિકાસશીલ દેશો છે અને 'ગ્લોબલ સાઉથ'ના મહત્વપૂર્ણ સભ્યો છે. આવી સ્થિતિમાં, બંને દેશોના વિકાસ માટે સહયોગ કરવો અને સાથે મળીને આગળ વધવુ હિતાવહ રહેશે. તેમણે તેને 'ડ્રેગન-એલિફન્ટ ટેંગો' કહ્યાં છે.
વિદેશ મંત્રી જયશંકર શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા અને ચીનના નેતાઓ સાથે વાતચીત કરવા ગયા છે.
આ પણ વાંચોઃ તાઈવાન મુદ્દે ચીન સાથે યુદ્ધ થયું તો સાથ આપશો? અમેરિકાએ આ બે દેશોને પૂછ્યા સવાલ
ભારત-ચીન સંબંધોમાં ધીમે ધીમે સુધારો
ઉપ પ્રમુખ ઝેંગે જણાવ્યું હતું કે, ગયા વર્ષે કઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠક સકારાત્મક રહી હતી. આ મુલાકાત બાદ ભારત-ચીન વચ્ચેના સંબંધોમાં એક નવી શરૂઆત થઈ છે. બંને દેશોએ તે વાતચીતમાં થયેલા કરાર પર વધુ કામ કરવાનો સમય આવી ગયો છે. બંને દેશોએ એકબીજાની સમસ્યાઓ આદર કરીને સંબંધોમાં સુધારો કરવો જોઈએ.
ચીન સાથે સંબંધો સુધર્યાઃ જયશંકર
વિદેશ મંત્રી જયશંકરે પણ પુનરોચ્ચાર કર્યો કે કઝાનમાં વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચેની મુલાકાત બાદ ચીન અને ભારતના સંબંધોમાં સુધારો થયો છે. ભારત આ સંબંધોને વધુ આગળ વધારવા માંગે છે અને બંને દેશો વચ્ચે ફાયદાકારક સહયોગ કરવા માગે છે. ભારત આ વર્ષે SCO કોન્ફરન્સના આયોજન બદલ ચીનનું સમર્થન કરે છે. વધુમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ જયશંકરે કહ્યું કે, મને વિશ્વાસ છે કે, આ મુલાકાત દરમિયાન ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં જે સકારાત્મક વલણ આવ્યું છે, તે જળવાઈ રહેશે.