તાઈવાન મુદ્દે ચીન સાથે યુદ્ધ થયું તો સાથ આપશો? અમેરિકાએ આ બે દેશોને પૂછ્યા સવાલ
US China Tensions for Taiwan Dispute: અમેરિકન સરકારે તેના બે વિશ્વાસુ સાથી દેશને પ્રશ્ન પૂછતાં વિશ્વભરમાં જિઓ-પોલિટિકલ ટેન્શન વધ્યું છે. આ બંને દેશો અમેરિકાના ટોચના સમર્થક હોવાની સાથે QUAD ગઠબંધનના સભ્ય છે. અમેરિકાએ તેના બે સાથી દેશ ઓસ્ટ્રેલિયા અને જાપાનને સવાલ કર્યો છે કે, જો તાઈવાન મુદ્દે ચીન સાથે યુદ્ધ થાય તો તેઓ સાથ આપશે? અમેરિકાનો આ સવાલ અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધના સંકેતો આપી રહ્યા છે. રશિયા-યુક્રેન, ઈરાન-ઈઝરાયલ અને ઈઝરાયલ-હમાસ બાદ હવે વધુ એક જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ થવાની ભીતિ વધી છે.
તાઈવાનની સુરક્ષાની ગેરેંટી અમેરિકાની
તાઈવાન મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે વર્ષોથી તણાવ ચાલી રહ્યો છે. અમેરિકા વિશ્વ સમક્ષ પોતાને તાઈવાનની સુરક્ષાના ગેરેન્ટર તરીકે રજૂ કરે છે. તાઈવાન રિલેશન્સ એક્ટ (1979) હેઠળ અમેરિકા તાઈવાનને ડિફેન્સ સાધનો અને સમર્થન પૂરા પાડે છે.
શા માટે કર્યો સવાલ?
ઓસ્ટ્રેલિયા અને જાપાનની ભૌગોલિક સ્થિતિ અને સૈન્ય ક્ષમતાઓ તાઈવાન સંઘર્ષ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ બંને અમેરિકા સાથે ડિફેન્સ પાર્ટનરશીપ ધરાવે છે. પરંતુ ભૂતકાળ પર નજર કરીએ તો લાગી રહ્યું છે કે, બંને દેશોની પ્રજા અને સરકાર કોઈપણ મોટા યુદ્ધમાં ઝંપલાવવા માગતી નથી. જેથી આ મામલે બંને દેશોએ અમેરિકાને કોઈ પ્રતિક્રિયા કે વચન આપ્યું નથી.
બંને દેશોએ જવાબ આપવાનું ટાળ્યું
ઓસ્ટ્રેલિયા અને જાપાને અમેરિકાના આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું છે. ઓસ્ટ્રેલિયાએ કાલ્પનિક સવાલો પર જવાબ આપવાનો ઈનકાર કર્યો છે. જ્યારે જાપાને કહ્યું છે કે, ભવિષ્યની પરિસ્થિતિ પર આધારિત આ પ્રકારના સવાલોના જવાબ આપવા મુશ્કેલ છે. નોંધનીય છે, બંને દેશો ચીન સાથે સંબંધ સુધારવા પ્રયાસ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાલ ચીનની મુલાકાતે છે. તેમણએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો નિકાસકાર દેશ ચીન છે. ચીન સાથે ઓસ્ટ્રેલિયા વ્યાપારિક સંબંધો વધારવા માગે છે.
તાઇવાન વિવાદ
તાઇવાન વિવાદ એક જટિલ ભૂ-રાજકીય અને ઐતિહાસિક મુદ્દો છે જે ચીન અને તાઇવાન વચ્ચેના સંબંધો પર કેન્દ્રિત છે. 1949માં, ચીનના ગૃહયુદ્ધ બાદ માઓની કમ્યુનિસ્ટ પાર્ટીએ ચીન પર કબજો કર્યો હતો અને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના (PRC) ની સ્થાપના કરી. પરાજિત રાષ્ટ્રવાદી સરકાર તાઇવાન ભાગી ગઈ અને ત્યાં જઈ રિપબ્લિક ઓફ ચાઇના (ROC) ની સ્થાપના કરી. PRC તાઇવાનને તેના પ્રદેશનો ભાગ માને છે અને તે "વન ચીન" નીતિ હેઠળ તાઈવાનને ફરીથી પોતાના નિયંત્રણમાં લેવા માગે છે, જેના માટે તે જરૂર પડ્યે બળનો ઉપયોગ કરવાની ધમકી પણ આપે છે. બીજી બાજુ તાઇવાન પોતાને એક સ્વતંત્ર લોકશાહી દેશ માને છે, જોકે તેણે ઔપચારિક સ્વતંત્રતા જાહેર કરી નથી.
વિશ્વમાં ચીનના વધતા પ્રભુત્વને કારણે, મોટાભાગના દેશો "વન ચીન" નીતિનું પાલન કરે છે, એટલે કે, તેઓ ચીનના સત્તાવાર વલણને સમર્થન આપે છે. પરંતુ આ દેશો તાઇવાન સાથે અનૌપચારિક સંબંધો પણ જાળવી રાખે છે. તાજેતરના વર્ષોમાં, તાઇવાનના સ્વતંત્રતા તરફી નેતૃત્વ અને ચીનની આક્રમક લશ્કરી પ્રવૃત્તિઓએ આ મુદ્દા પર તણાવ વધાર્યો છે.