Get The App

બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ નક્કી! PM મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
બિહારમાં નવી સરકારના શપથગ્રહણની તારીખ નક્કી! PM મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ 1 - image


Bihar Govenment Formation news : બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએએ સપાટો બોલાવ્યા બાદ હવેનવી સરકારની રચના કરવાની પ્રક્રિયા ઝડપી બનાવાઈ છે. એનડીએની નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 20 નવેમ્બરે પટણાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાશે.

પીએમ મોદીની હાજરીમાં યોજાશે સમારોહ 

આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. ઉલ્લેખનીય છે કે એનડીએએ 243 બેઠકોમાંથી 202 બેઠક જીતીને ઐતિહાસિક બહુમતી પ્રાપ્ત કરી હતી જેમાં ભાજપને 89, જેડીયુને 85, એલજેપીને 19 અને અન્ય પક્ષોને 9 બેઠકો મળી હતી. 

નીતિશ કુમારની અંતિમ કેબિનેટ બેઠક

જેડીયુના વડા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે સવારે 11:30 વાગ્યે અંતિમ કેબિનેટ બેઠક બોલાવી છે. આ બેઠકમાં વર્તમાન વિધાનસભા ભંગ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવશે. બેઠક બાદ, મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજભવન જઈને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને રાજીનામું સુપરત કરશે. આ ઔપચારિકતા નવી સરકાર બનાવવા તરફનું પ્રથમ પગલું હશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ ૨૨ નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે, તેથી તમામ ઔપચારિકતાઓ સમય પહેલા પૂર્ણ કરવામાં આવી રહી છે.

ભાજપ-જેડીયુ વિધાનસભા પક્ષની બેઠક

નીતીશના રાજીનામા પછી, જેડીયુ વિધાનસભા પક્ષની બેઠક થશે, જ્યાં નીતિશ કુમારને પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવશે તેવી અપેક્ષા છે. આ પછી ભાજપ વિધાનસભા પક્ષની બેઠક થશે અને અંતે, એનડીએ વિધાનસભા પક્ષની સંયુક્ત બેઠક થશે, જ્યાં નીતિશ કુમારને ગઠબંધન નેતા જાહેર કરવામાં આવશે. આ પછી, એનડીએ પ્રતિનિધિમંડળ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે રાજ્યપાલ પાસે જશે. જોકે, નીતિશ કુમાર 20 નવેમ્બરે શપથ લેશે કે એનડીએ સરકારના ભાગ રૂપે અન્ય કોઈ નેતા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.


Tags :