ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા : યલો એલર્ટ


- બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો

- દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ યથાવત્ : ગુરૂગ્રામની કંપનીઓએ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી, શાળા-કોલેજો બંધ રહી  

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆર ઉપરાંત ઉત્તર પ્રદેશ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું હતું. દિલ્હી અને યુપીમાં ઘણી શાળા-કોલેજો બંધ રહી હતી. હવામાન વિભાગે ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત ૧૭ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જારી કર્યો છે.

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું હતું. ગુરૂગ્રામની ખાનગી ઓફિસોએ તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી હતી અને ઓફિસે ન આપવાની તાકીદ કરી હતી. 

તે ઉપરાંત દિલ્હી-એનસીઆરની શાળા-કોલેજો બંધ રાખવાની ફરજ પડી હતી. ઉત્તર પ્રદેશના પણ કેટલાય વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવી પડી હતી. કેટલાય વિસ્તારોમાં હજુય પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે રસ્તાઓમાં ગાબડાં પડી જતાં વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા.

હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગણા, ઓડિશા, બિહાર, પશ્વિમ બંગાળ સહિત ૧૭ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી હતી. કેટલાક રાજ્યોમાં યેલ્લો એલર્ટ પણ જારી કર્યો છે. 

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા દેશના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર અને મધ્યપ્રદેશમાં સર્વાધિક વરસાદ થાય એવી શક્યતા છે. 

દિલ્હી-એનસીઆરમાં સતત બે-ત્રણ દિવસથી વરસાદ ખાબકતા શાળા-કોલેજો બંધ રાખવાની સાથે સાથે જિલ્લા સરકારી તંત્રએ ગુરૂગ્રામમાં ખાનગી ઓફિસો બંધ રાખવાની નોટિસ પાઠવી હતી. એ પછી ખાનગી ઓફિસ અને કંપનીઓએ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી હતી. દિલ્હી-એનસીઆરમાં સરેરાશ અડધાથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ પડયો હતો. હરિયાણાના હિસાર, કર્નાલ, રોહતાક, કુરુક્ષેત્ર, સોનિપત જેવા શહેરોમાં ભારે વરસાદ પડયો હતો. 

City News

Sports

RECENT NEWS