For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાથી મૃત્યુ પામનારાના પરિવારજનને રૂ. 4-4 લાખ ન આપી શકાય, SDRFના પૈસા પૂરા થઈ જાયઃ કેન્દ્ર

Updated: Jun 20th, 2021

Article Content Image

- કેન્દ્રનું કહેવું છે કે, વળતરનો આ નિયમ ભૂકંપ અને પૂર જેવી પ્રાકૃત્તિક આપત્તિઓ પર જ લાગુ થાય

નવી દિલ્હી, તા. 20 જૂન, 2021, રવિવાર

કેન્દ્ર સરકારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની ના પાડી દીધી છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર અંગે દાખલ અરજી મુદ્દે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને આ જાણકારી આપી છે. સરકારના કહેવા પ્રમાણે જો તમામ પીડિતોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તો એસડીઆરએફના તમામ પૈસા ત્યાં જ ખર્ચ થઈ જશે. 

હકીકતે સુપ્રીમ કોર્ટમાં કોવિડથી થતા મૃત્યુ સામે 4 લાખ રૂપિયાનું વળતર આપવાની માગને લઈ એક અરજી નોંધાઈ હતી. અરજીકર્તાએ કરેલા ઉલ્લેખ પ્રમાણે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને 2015માં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી એક ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. તે મુજબ હોનારતના કારણે થતા મૃત્યુ સામે 4 લાખ રૂપિયાનું વળતર આપવાની વાત છે. આ મુદ્દે કેન્દ્રનું કહેવું છે કે, આ નિયમ ભૂકંપ અને પૂર જેવી પ્રાકૃત્તિક આપત્તિઓ પર જ લાગુ થાય છે. 

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, 'જો કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તો તેનાથી સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (એસડીઆરએફ)ના તમામ પૈસા આમાં જ વપરાઈ જાય.' સરકારના કહેવા પ્રમાણે જો તમામ ફંડ ખર્ચાઈ જશે તો પછી કોવિડ-19 નો સામનો કરવા અને તોફાન-પૂર જેવી હોનારતોનો સામનો કરવા એસડીઆરએફ પાસે ફંડ ખૂટી પડશે. સરકારે દલીલ કરી છે કે, મહામારીના આ સમયમાં સરકારને પૈસાની જરૂર છે. 


Gujarat