સહમતિથી શારીરિક સંબંધ બાંધવાની વય 18 વર્ષથી ઓછી ન હોઈ શકે, કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
Supreme Court: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને સૂચના આપી છે કે, યૌન સંબંધો માટે સંમતિની લઘુતમ ઉંમર 18 વર્ષથી ઓછી ન થઈ શકે. આ નિવેદન એક અરજદારની સુનાવણી દરમિયાન આપવામાં આવ્યું છે, જેમાં યૌન સંમતિની ઉંમર ઘટાડવાની માંગ કરવામાં આવી હતી. કેન્દ્રએ કહ્યું કે, હાલનો કાયદો, ખાસ કરીને POCSO (Protection of Children from Sexual Offences) અને ભારતીય ન્યાય સંહિતા સગીરોના હિતોની રક્ષા કરવા માટે બનાવવામાં આવ્યો છે. સરકારની દલીલ છે કે 18 વર્ષથી નાની ઉંમરના બાળકોને જાતીય શોષણ અને કાયદાના દુરૂપયોગથી બચાવવા માટે આ વય મર્યાદા જરૂરી છે.
સરકારે કહ્યું કે, હાલની સમયમર્યાદાનો હેતુ સગીરોને જાતીય શોષણથી બચાવવાનો છે. ખાસ કરીને જ્યારે આ ગુનો કોઈ પરિચિત દ્વારા જ કરવામાં આવ્યો હોય. જોકે, સરકારે સ્વીકાર્યું કે, કિશોરવયના પ્રેમ સંબંધો અને શારીરિક સંબંધોના કેસમાં ન્યાયિક વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી શકાય છે.
18 વર્ષની ઉંમર- સમજી-વિચારીને લેવાયેલો નિર્ણય
એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી દ્વારા રજૂ કરાયેલા વિગતવાર લેખિત જવાબમાં કેન્દ્રએ જણાવ્યું હતું કે, 'ભારતીય કાયદા હેઠળ 18 વર્ષની સંમતિની ઉંમર સમજી-વિચારીને લેવાયેલો નિર્ણય છે, જે બાળકોને સુરક્ષા પૂરી પાડે છે. ભારતના બંધારણ હેઠળ બાળકોને આપવામાં આવતી સુરક્ષાને ધ્યાને લઈને આ ઉંમર નક્કી કરવામાં આવી છે. આ ઉંમરને ઘટાડવાથી બાળ સુરક્ષા કાયદાઓની પ્રગતિને પાછળ ધકેલવા બરાબર છે.'
વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે તો...
કેન્દ્રએ એમ પણ કહ્યું કે, POCSO એક્ટ, 2012 અને તાજેતરમાં લાગુ કરાયેલા ભારતીય ન્યાય સંહિતા (BNS) જેવા કાયદા એ સિદ્ધાંત પર આધારિત છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ જાતીય પ્રવૃત્તિ માટે માન્ય અને સંમતિ આપવા સક્ષમ નથી. સરકારે ચેતવણી પણ આપી હતી કે, જો આ વય મર્યાદામાં કોઈ છૂટછાટ આપવામાં આવે છે, તો તે કાયદાનો દુરૂપયોગ કરનારા અને પીડિતાની ભાવનાત્મક નિર્ભરતા અથવા મૌનનો લાભ લેનારાઓને છટકબારી મળી જશે.
સરકારે જણાવ્યા ઐતિહાસિક તથ્યો
સરકારે સંમતિની ઉંમરમાં થયેલા ઐતિહાસિક ફેરફારોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ભારતીય દંડ સંહિતા, 1860માં આ ઉંમર 10 વર્ષ હતી. ત્યારબાદ, 1891માં સંમતિની ઉંમર કાયદામાં 12 વર્ષ કરવામાં આવી. 1925 અને 1929માં તેને વધારીને 14 વર્ષ કરવામાં આવી. 1940માં તેને 16 વર્ષ અને છેલ્લે 1978માં તેને 18 વર્ષ કરવામાં આવી, જે આજ સુધી લાગુ છે.
આ પણ વાંચોઃ કોઈ રસ્તો નહોતો, સરકાર જ બની ગઈ હતી 'દુશ્મન', જગદીપ ધનખડના રાજીનામા અંગે વધુ એક દાવો
કોર્ટમાં ન્યાયિક વિવેકાધિકારનો અવકાશ
જોકે, આ મામલે સરકારે એમ પણ કહ્યું કે, ન્યાયતંત્ર ચોક્કસ કેસોમાં વિવેકાધિકારનો ઉપયોગ કરી શકે છે, ખાસ કરીને જ્યારે કેસ બે કિશોર વયની વચ્ચે સંમતિથી પ્રેમ સંબંધનો હોય અને બંને 18 વર્ષની આસપાસ હોય. આવા કિસ્સાઓમાં, "close-in-age" છૂટ પર વિચાર કરવામાં આવી શકે છે.
ગુનેગારોને રક્ષણ ન મળવું જોઈએ
કેન્દ્રએ કહ્યું કે, NCRB અને સેવ ધ ચિલ્ડ્રન અને હક સેન્ટર ફોર ચાઇલ્ડ રાઇટ્સ જેવી વિવિધ NGOના ડેટા સ્પષ્ટ કરે છે કે, 50% થી વધુ બાળકો પર થતાં જાતીય ગુનાઓ એવા લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ પીડિતોને ઓળખે છે અથવા જેમના પર બાળક વિશ્વાસ કરે છે, જેમ કે પરિવારના સભ્યો, શિક્ષકો, પડોશીઓ વગેરે. સરકારે ચેતવણી આપી હતી કે, જો સંમતિની ઉંમર ઘટાડવામાં આવે તો આવા ગુનેગારોને એમ કહીને રાહત મળી શકે છે કે જાતીય સંબંધો સંમતિથી થયા હતા, જે POCSO કાયદાના હેતુને નબળો બનાવી દેશે.
બાળકોને દોષ આપવાનો ભય
સરકારે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, જો જાતીય શોષણ કરનાર વ્યક્તિ માતાપિતા અથવા નજીકના સંબંધી હોય, તો બાળક વિરોધ કરવાની કે ફરિયાદ કરવાની સ્થિતિમાં નથી. આવા કિસ્સાઓમાં, 'સંમતિ'ની દલીલ કરવો એ બાળકને દોષ આપવા જેવું છે અને આ બાળકના શરીર અને ગરિમાના રક્ષણ નબળું પાડે છે.