કોઈ રસ્તો નહોતો, સરકાર જ બની ગઈ હતી 'દુશ્મન', જગદીપ ધનખડના રાજીનામા અંગે વધુ એક દાવો
Jagdeep Dhankhar Resignation: જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિપક્ષ દ્વારા વિવિધ અટકળો લગાવાઈ રહી છે. તેમણે 21મી જુલાઈના રોજ સ્વાસ્થ્યનું કારણ આપી રાજીનામું આપ્યું હોવા છતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે એવા દાવા કરવામાં આવ્યા છે કે, જગદીપ ધનખડને હટાવવા માટે રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી હતી.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, ભાજપ અને તેના સાથી પક્ષો જગદીપ ધનખડની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા હોવાથી તેમની પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ બીજા જ દિવસે આવવાનો હતો. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે સરકારને ખબર પડી કે તેમણે જસ્ટિસ યશવંત વર્મા સામે 63 વિપક્ષી સાંસદો દ્વારા સહી કરાયેલ મહાભિયોગ નોટિસ સ્વીકારી લીધી છે.
જગદીપ ધનખડને સંકેત મળી ગયા હતા
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને સંકેત મળી ગયા હતા કે, ઉપરાષ્ટ્રપતિ સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ બહુમતીથી પસાર થઈ શકે છે અને NDA પાસે જરૂરી કરતાં વધુ સંખ્યા છે. સોમવારે રાજ્યસભા સચિવાલયના એક અધિકારીએ જગદીપ ધનખડને તાત્કાલિક રાજીનામું આપવા અથવા બીજા દિવસે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા સંદેશ મોકલ્યો હતો. આવી પરિસ્થિતિ ટાળવા માટે જગદીપ ધનખડ તે જ રાત્રે ઉતાવળમાં રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પોતાનું રાજીનામું સુપરત કર્યું. આ પછીનું ચિત્ર આખી દુનિયા જાણે છે.