સૈફના પટૌડી પરિવારની રૂ. 15000 કરોડની સંપત્તિ કેન્દ્ર જપ્ત કરી શકશે

હાઇકોર્ટે સંપત્તિને લઇને કાર્યવાહી પરનો પોતાનો સ્ટે હટાવતા સરકારનો માર્ગ મોકળો
સંપત્તિના મૂળ માલિક દેશના ભાગલા પછી પાકિસ્તાન જતા રહ્યા હોવાથી શત્રુ સંપત્તિ કાયદા હેઠળ જપ્તીની કાર્યવાહી થઇ શકે છે
મધ્ય પ્રદેશના ભોપાલમાં પટૌડી પરિવારની મોટાભાગની સંપત્તિ આવેલી છે. આ સંપત્તિ એનીમી પ્રોપર્ટી એક્ટ ૧૯૬૮ હેઠળ કેન્દ્ર સરકાર જપ્ત કરી શકે છે. આ કાયદા મુજબ ૧૯૪૭ના ભાગલા પછી જે પણ વ્યક્તિએ પાકિસ્તાન સ્થળાંતર કર્યું હોય તેની ભારતમાં રહેલી સંપત્તિ પર કેન્દ્ર સરકાર દાવો કરી શકે છે. આ સંપત્તિ પણ એનીમી પ્રોપર્ટી એક્ટ હેઠળ આવતી હોવાથી હવે તેને ગમે ત્યારે પટૌડી પરિવાર ગુમાવી શકે છે. મુંબઇ સ્થિત એનીમી પ્રોપર્ટી કસ્ટોડિયન ઓફિસે ભોપાલના નવાબની સંપત્તિને સરકારી સંપત્તિ જાહેર કરી હતી, જે બાદ સૈફ અલી ખાને મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં અપીલ કરી હતી વર્ષ ૨૦૧૫માં હાઇકોર્ટ દ્વારા કેસની સુનાવણી શરૂ કરવામાં આવી હતી અને સ્ટે મુક્યો હતો. બાદમાં ગયા વર્ષે સૈફની અરજી ફગાવાઇ હતી અને તેમને તેમજ અન્ય પક્ષકારોને ન્યાયાધિકરણ સમક્ષ અપીલ કરવા ૩૦ દિવસનો સમય આપ્યો હતો, જોકે સૈફ કે તેમના પરિવાર તરફથી આવી કોઇ અપીલ નથી થઇ.
સૈફ અલી ખાન, શર્મિલા ટાગોર, સોહા અલી ખાન, સબા અલી ખાન, મંસૂર અલી ખાનના બહેન સાબિહા સુલ્તાન જ્યારે કેન્દ્ર સરકાર અને અન્યો આ કેસમાં પક્ષકારો છે.

