એક બાજુ ટ્રેડ ડીલ, બીજી બાજુ ટેરિફની ધમકીની વાતો, ટ્રમ્પના ફરી ભારત વિશે મોટા દાવા

Donald Trump Again On India-Pak War: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લીધો છે. એકબાજુ તેઓ ભારત સાથે ટ્રેડ ડીલ કરવા મુદ્દે સકારાત્મક વલણ દર્શાવી રહ્યા છે, તો બીજી બાજુ સતત ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું હોવાના દાવાઓ કરી ભારત પર પ્રેશર બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, મેં બંને ન્યૂક્લિયર દેશો વચ્ચેનું યુદ્ધ રોકવા માટે વેપાર દબાણ કર્યું હતું. મેં તેમના પર 250 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. જેના લીધે તેઓ યુદ્ધવિરામ માટે તૈયાર થયા. વધુમાં તેમણે આ શ્રેય લેવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં તેમને 'સૌથી સુંદર દેખાવના વ્યક્તિ' ગણાવ્યા છે. આટલું જ નહીં તેમણે પાકિસ્તાના વડાપ્રધાનના પણ વખાણ કર્યા છે.
દક્ષિણ કોરિયામાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન(APEC)ના વેપાર નેતાઓ માટે આયોજિત લંચમાં ટ્રમ્પે મે મહિનાની ઘટનાઓનું વર્ણન કરતાં કહ્યું કે, મેં બે પરમાણુ સશસ્ત્ર પડોશીઓ વચ્ચે સંભવિત યુદ્ધને રોકવા માટે 'વેપાર દબાણ'નો ઉપયોગ કર્યો હતો.
મેં યુદ્ધના સમાધાન માટે ફોન કર્યો હતો
ટ્રમ્પે ફરી ડંફાશ કરી કે, મેં વડાપ્રધાન મોદીને ફોન કર્યો અને કહ્યું કે અમે તમારી સાથે વેપાર સોદો કરી શકતા નથી કારણ કે તમે પાકિસ્તાન સાથે લડી રહ્યા છો. પછી મેં પાકિસ્તાનને ફોન કર્યો અને તે જ વાત કહી. ટ્રમ્પે ભૂતકાળમાં આ વર્ષે મે મહિનામાં થયેલા ટૂંકા લશ્કરી સંઘર્ષ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાના સમાન દાવા કર્યા હતા. આ દાવાઓને નવી દિલ્હી ઉપરાંત ઇસ્લામાબાદે પણ સ્પષ્ટપણે નકારી કાઢ્યા હોવા છતાં તેઓ અવારનવાર આ મામલે આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે.
બે ન્યુક્લિયર દેશો વચ્ચે લડાઈ રોકી
ટ્રમ્પે આગળ કહ્યું કે, બે ન્યુક્લિયર દેશો વચ્ચે લડાઈ ચાલી રહી હતી. તેઓએ દખલગીરી કરવાનો ઇન્કાર કરતાં કહ્યું કે, અમને લડવા દો. તેઓ મજબૂત લોકો છે. વડાપ્રધાન મોદી સૌથી સુંદર દેખાતા વ્યક્તિ છે. તેમનો દેખાવ પ્રભાવશાળી છે. તે આકરા સ્વભાવના પણ છે, પણ અંતે તેઓ વાત કરતાં સહમત થયા અને લડાઈ રોકી.
ભારત સાથે ટ્રેડ ડીલ કરીશું
ટ્રમ્પે ટૂંક સમયમાં ભારત સાથે ટ્રેડ ડીલ કરવાનો પણ સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે, હું ભારત સાથે ટ્રેડ ડીલ કરવા જઈ રહ્યો છું. પ્રમુખે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ બંને સાથેના તેમના 'મહાન સંબંધો'નું વર્ણન કરતાં કહ્યું કે, હું ભારત સાથે વેપાર કરાર કરવા જઈ રહ્યો છું. વડાપ્રધાન મોદી માટે મને પ્રેમ અને માન છે. તેમની જેમ પાકિસ્તાનના વડાપ્રધાન પણ મહાન વ્યક્તિ છે, તેમના ફિલ્ડ માર્શલ પણ મહાન લડવૈયા છે. અમે બંને નેતાઓને કહ્યું હતું કે, જો બંને દેશો લડાઈ ચાલુ રાખશે તો અમે તેમની સાથે વેપાર કરાર ચાલુ રાખીશું નહીં.

