Is Canada easier than UK for PR? વિદેશમાં ભણીને ત્યાં જ સ્થાયી થવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હવે યુનાઇટેડ કિંગડમ (UK) કરતા કેનેડા વધુ આકર્ષક અને સરળ વિકલ્પ બનીને ઉભરી આવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, 'સ્ટડી-ટુ-ઈમિગ્રેટ' એટલે કે ભણ્યા પછી ત્યાંનું કાયમી નાગરિકત્વ મેળવવાની બાબતમાં કેનેડાએ યુકેને પાછળ છોડી દીધું છે. જોકે બંને દેશોએ આવાસ અને વસ્તીના દબાણને કારણે ઈમિગ્રેશનના નિયમો સખત કર્યા છે, તેમ છતાં કેનેડાની સિસ્ટમ આજે પણ વધુ સ્પષ્ટ અને ઝડપી માનવામાં આવે છે.
PR મેળવવામાં કેનેડા કેમ છે આગળ?
કેનેડામાં ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યાના માત્ર એક વર્ષના કામના અનુભવ બાદ વિદ્યાર્થીઓ સ્થાયી નિવાસ(PR) માટે અરજી કરી શકે છે. તેની સરખામણીએ યુકેમાં સ્થાયી નિવાસ(ILR) મેળવવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ અને અમુક કિસ્સામાં 10 વર્ષ જેટલી લાંબી રાહ જોવી પડે છે. કેનેડામાં પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ(PGWP) ત્રણ વર્ષ સુધી મળી શકે છે, જ્યારે યુકેમાં હવે નવા નિયમો મુજબ 2026-27થી વર્ક વિઝાનો સમયગાળો ઘટાડીને માત્ર 18 મહિના સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યો છે.
કામના અનુભવની ગણતરીમાં મોટો તફાવત
આ બંને દેશો વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે કેનેડામાં અભ્યાસ પછી વર્ક પરમિટ પર કરેલા કામનો અનુભવ સીધો જ PR મેળવવા માટે ગણાય છે. જ્યારે યુકેમાં, ગ્રેજ્યુએટ વિઝા પર કરેલા કામનો અનુભવ ત્યાંના સ્થાયી નિવાસ(ILR) માટે ગણવામાં આવતો નથી. યુકેમાં કાયમી વસવાટ માટે વિદ્યાર્થીએ ફરજિયાતપણે સ્કીલ્ડ વર્કર વિઝા મેળવવા પડે છે અને તે માટે સ્પોન્સરશિપ અને ચોક્કસ પગારના ધોરણો પૂરા કરવા પડે છે, જે પ્રક્રિયા ઘણી જટિલ છે.
આ પણ વાંચો: દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલઘૂમ, પથ્થરમારો કરાયો
ઝડપી કારકિર્દી અને સ્થાયી વસવાટ
જો કોઈ વિદ્યાર્થી 22 વર્ષની ઉંમરે કેનેડા જાય, તો તે 25 વર્ષની ઉંમર સુધીમાં એટલે કે માત્ર 3 વર્ષમાં PR મેળવી શકે છે. તેની સામે યુકેમાં તે જ સ્થિતિમાં પહોંચતા 7થી 10 વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે. આમ, જો તમે ટૂંકા સમયમાં અને સ્પષ્ટ નિયમો સાથે વિદેશમાં સ્થાયી થવા માંગતા હોવ, તો હાલના સંજોગોમાં કેનેડા એ યુકે કરતા વધુ ભરોસાપાત્ર અને ઝડપી રસ્તો સાબિત થઈ રહ્યો છે.


