ભાજપના ગઠબંધનવાળી બિહાર સરકાર પાસે 71000 કરોડ ક્યાં વાપર્યાનો હિસાબ જ નથી: CAG રિપોર્ટ
CAG Report: બિહાર સરકારને કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના તાજેતરના અહેવાલમાં ઠપકો આપવામાં આવ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર અત્યાર સુધી 70,877.61 કરોડ રૂપિયાનો હિસાબ રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. આ રકમ વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ માટે જાહેર કરવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં તેના ઉપયોગનો પુરાવો આપવામાં આવ્યો ન હતો.
31 માર્ચ સુધી 49,649 પ્રમાણપત્ર મળ્યા નથી
ગુરુવારે રાજ્ય વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે 31 માર્ચ, 2024 સુધી એકાઉન્ટન્ટ જનરલ (એકાઉન્ટ્સ અને એન્ટાઇટમેન્ટ્સ), બિહારને કુલ 49,649 બાકી ઉપયોગિતા પ્રમાણપત્ર (UC) મળ્યા નથી. આ નિયમોનું સીધું ઉલ્લંઘન છે, કારણ કે કોઈપણ યોજનાની રકમ જાહેર થયા પછી સમયસર UC આપવું ફરજિયાત છે.
ભંડોળના દુરુપયોગનો ભય
અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે UC ના અભાવે, ખાતરી કરી શકાતી નથી કે પૈસા ખરેખર હેતુપૂર્વક ઉપયોગમાં લેવાયા છે કે નહીં. આનાથી ઉચાપત, દુરુપયોગ અને નાણાકીય અનિયમિતતાઓની શક્યતા વધી જાય છે.
મોટાભાગના બેદરકાર વિભાગો
રિપોર્ટ મુજબ, પંચાયતી રાજ વિભાગ UC જમા ન કરાવનારા મુખ્ય વિભાગોમાં મોખરે છે, જેની પાસે 28,154.10 કરોડ રૂપિયાની બાકી રકમ છે. આ પછી શિક્ષણ વિભાગ (12,623.67 કરોડ રૂપિયા), શહેરી વિકાસ વિભાગ (11,065.50 કરોડ રૂપિયા), ગ્રામીણ વિકાસ વિભાગ (7,800.48 કરોડ રૂપિયા) અને કૃષિ વિભાગ (2,107.63 કરોડ રૂપિયા) આવે છે. CAG એ પણ જાહેર કર્યું કે 14,452.38 કરોડ રૂપિયા 2016-17 કે તે પહેલાંના છે, જે હજુ પણ બાકી છે.
આ પણ વાંચો: બિહારની જેમ દેશભરમાં મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે, ચૂંટણીપંચનો આદેશ જાહેર
બજેટનો સંપૂર્ણ ઉપયોગ થયો નથી
નાણાકીય વર્ષ 2023-24 માટે રાજ્યનું કુલ બજેટ 3.26 લાખ કરોડ રૂપિયા હતું, પરંતુ સરકારે ફક્ત 2.60 લાખ કરોડ રૂપિયા એટલે કે 79.92% ખર્ચ કર્યા. આ ઉપરાંત 65,512.05 કરોડ રૂપિયાની કુલ બચતમાંથી ફક્ત 23,875.55 કરોડ રૂપિયા (36.44%) પરત આવ્યા.
રાજ્યની જવાબદારીઓમાં વધારો
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યની કુલ જવાબદારીઓમાં પાછલા વર્ષની સરખામણીમાં 12.34%નો વધારો થયો છે, જે નાણાકીય વ્યવસ્થાપનની સ્થિતિ પર પ્રશ્નો ઊભા કરે છે. આ CAG રિપોર્ટ બિહાર સરકારની નાણાકીય શિસ્ત અને પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.