અમદાવાદ-મુંબઈ ઉપરાંત આ 4 મોટા શહેરોમાં પણ દોડશે બુલેટ ટ્રેન, સરકારનો સરવેનો આદેશ
Bullet Train will run between these 4 cities: ભારતમાં બુલેટ ટ્રેન નેટવર્કનું વિસ્તરણ ઝડપી બન્યું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી છે કે દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરવેનો આદેશ અપાયો છે. આ નેટવર્ક હૈદરાબાદ, ચેન્નઈ, અમરાવતી અને બેંગલુરુ જેવા ચાર મોટા શહેરોને જોડશે.
ટૂંક સમયમાં દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેનનું આગમન, ચાર મોટા શહેરોનો સરવે શરૂ
આ અંગે ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, 'ખૂબ જ જલ્દી દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેન આવશે. આ માટે સરવેનો આદેશ આપી દેવાયો છે. હૈદરાબાદ, ચેન્નઈ, અમરાવતી અને બેંગલુરુ. આ ચાર શહેરોની વસ્તી પાંચ કરોડથી વધુ છે અને આ વિશ્વનું સૌથી મોટું બજાર છે.'
પીએમ મોદીએ બુલેટ ટ્રેનમાં કરી મુસાફરી
આ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની રાજધાની ટોક્યોથી સેંદાલી સુધી બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી. તેમની સાથે જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા પણ હાજર હતા.
ટોક્યોના જાપાની દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે, 'ભારતે દેશભરમાં 7,000 કિલોમીટર લાંબું હાઇ-સ્પીડ રેલ નેટવર્ક વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પ્રગતિમાં છે. અમે તેનાથી પણ મોટું સ્વપ્ન જોયું છે. દેશભરમાં 7,000 કિલોમીટરનું હાઇ-સ્પીડ રેલ નેટવર્ક બનાવવાનું છે. અમારું લક્ષ્ય આગામી થોડા વર્ષોમાં મુંબઈ-અમદાવાદ કોરિડોર પર મુસાફરી સેવાઓ શરૂ કરવાનું છે.'
આ પણ વાંચો: ઉડાન ભરતા જ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ, દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાઈ
ભારતમાં સંભવિત બુલેટ ટ્રેન રૂટ
રાષ્ટ્રીય રેલ યોજનામાં પહેલાથી જ ઘણા સંભવિત હાઇ-સ્પીડ રેલ કોરિડોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં દિલ્હી-વારાણસી, દિલ્હી-અમદાવાદ, મુંબઈ-નાગપુર, મુંબઈ-હૈદરાબાદ, ચેન્નઈ-મૈસૂર, દિલ્હી-અમૃતસર અને વારાણસી-હાવડા જેવા રૂટનો સમાવેશ થાય છે.