Get The App

‘બજેટ જોઈને મજા પડી ગઈ...’, જાણો કોંગ્રેસ નેતા ચિદમ્બરમે કેમ આપી આવી પ્રતિક્રિયા

Updated: Jul 23rd, 2024

GS TEAM


Google News
Google News
‘બજેટ જોઈને મજા પડી ગઈ...’, જાણો કોંગ્રેસ નેતા ચિદમ્બરમે કેમ આપી આવી પ્રતિક્રિયા 1 - image


Budget-2024, Internship Scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારે આજે બજેટ રજૂ કર્યું છે. હવે આ બજેટમાં ઈન્ટર્નશિપ યોજનાની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કટાક્ષ કરતા કહ્યું કે, મજા આવી ગઈ. અમને એ વાતની ખુશી થઈ કે, લોકસભા ચૂંટણી બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે અમારો ચૂંટણી ઢંઢેરો વાંચ્યો તો હતો.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024-25માં પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ યુવાઓને ઈન્ટર્નશિપ સાથે 5,000 રૂપિયાનું માસિક ભથ્થું મળશે. 

કોંગ્રેસે તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભા ચૂંટણી માટે જાહેર કરેલા પોતાના ચૂંટણી ઢંઢેરામાં તાલીમના અધિકારોનો વાયદો કર્યો હતો, તેના હેઠળ  ડિપ્લોમા અને ડિગ્રી ધરાવનાર બેરોજગાર યુવાઓને ટ્રેનિંગ સાથે એક વર્ષ સુધી દર મહિેને 8,500 રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. કોંગ્રેસે આ કાર્યક્રમને 'પહેલી નોકરી પાક્કી' નામ પણ આપ્યું હતું. 

ચિદમ્બરમે X પર પોસ્ટ કરી

પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે X પર પોસ્ટ કરી અને લખ્યું કે, મને એ જાણીને ખુશી થઈ કે, માનનીય નાણામંત્રીએ ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસના લોકસભા 2024ના ચૂંટણી ઢંઢેરાનો વાંચ્યો છે. મને એ વાતની પણ ખુશી છે કે, તેમણે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના પેજ નંબર 30 પર ઉલ્લેખ કરાયેલ રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન (Employment-linked incentive) ને અપનાવ્યો છે.

તેમણે આગળ કહ્યું તે, મને એ વાતની પણ ખુશી છે કે તેમણે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરાના પેજ નંબર 11 પર ઉલ્લેખિત દરેક એપ્રેન્ટિસ માટે ભથ્થા સાથે એપ્રેન્ટિસશીપ સ્કીમ શરૂ કરી છે. નાણામંત્રીએ કોંગ્રેસના ઢંઢેરામાં બીજા કેટલાક વિચારોની નકલ કરી હોત તો સારું હોત. હું ટૂંક સમયમાં છૂટી ગયેલા પોઈન્ટની યાદી બનાવીશ. 

Tags :