karnataka News : કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં શુક્રવારે વાલ્મિકી સમાજની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ પહેલા બેનર લગાવવા જેવી સામાન્ય બાબતે થયેલી હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે અને પોલીસે સાવચેતીના ભાગરૂપે મોટા મેળાવડા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
વિવાદ કેવી રીતે શરૂ થયો?
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કોંગ્રેસના કાર્યકરો સ્થાનિક ધારાસભ્ય ભારત રેડ્ડીના સમર્થનમાં બેનર લગાવવા પહોંચ્યા હતા. આરોપ છે કે આ બેનરો કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ (KRPP)ના ધારાસભ્ય જનાર્દન રેડ્ડીના ઘરની સામે લગાવવામાં આવી રહ્યા હતા, જેનો જનાર્દન રેડ્ડીના સમર્થકોએ વિરોધ કર્યો. જોતજોતામાં બંને પક્ષો વચ્ચેની સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને પથ્થરમારો શરૂ થઈ ગયો.
ગોળીબાર અને મૃત્યુ
ઘટના દરમિયાન ગોળી ચાલવાનો અવાજ પણ સંભળાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત રેડ્ડીના નજીકના સહયોગી સતીશ રેડ્ડી ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જેમની સાથે હાજર એક સુરક્ષાકર્મીએ કથિત રીતે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ અફરાતફરી વચ્ચે રાજશેખર નામના એક વ્યક્તિનું મોત થયું, જે કોંગ્રેસના સમર્થક હોવાનું કહેવાય છે.
ધારાસભ્યોના એકબીજા પર ગંભીર આરોપ
આ ઘટનાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય ભારત રેડ્ડીએ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું, "બેનરો સાર્વજનિક રસ્તા પર લગાવવામાં આવ્યા હતા. વાલ્મિકી સમાજના સમર્થકોને અમે કેવી રીતે રોકી શકીએ? આ કાર્યક્રમ પક્ષીય રાજકારણથી ઉપર છે. પરંતુ કેટલાક લોકો બેલ્લારીની શાંતિ ભંગ કરવા માંગે છે. આ સંપૂર્ણપણે રાજકીય ષડયંત્ર છે."
બીજી તરફ, KRPPના ધારાસભ્ય જનાર્દન રેડ્ડીએ કોંગ્રેસના ધારાસભ્ય પર ખાનગી હથિયારબંધ સુરક્ષાકર્મીઓ લાવવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો, "જેવી જ તેમને ખબર પડી કે હું મારી કારમાંથી ઉતરીને ત્યાં પહોંચ્યો છું, તરત જ ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું. આ મને ખતમ કરવાનું ષડયંત્ર લાગે છે."
પોલીસની કાર્યવાહી અને હાલની પરિસ્થિતિ
ઘટનાની જાણ થતાં જ પૂર્વ મંત્રી અને ભાજપના નેતા બી. શ્રીરામુલુ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું કે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે હળવો બળપ્રયોગ કરવામાં આવ્યો હતો અને વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે અને ફાયરિંગ તથા મૃત્યુના સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.


