જમ્મુ-કાશ્મીરના સાંબામાં સાત પાકિસ્તાની ઘૂસણખોર ઠાર, BSFની મોટી કાર્યવાહી
BSF soldiers neutralized 7 terrorists in Samba: પહલગામ હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. ભારતમાં પાકિસ્તાન તરફથી થઈ રહેલી ગતિવિધિઓ અને ભારતીય સેનાના વળતા જવાબ બાદ દેશની દરેક સરહદોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેમાં ગુરુવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળે(BSF) પાકિસ્તાનથી ઘૂસણખોરી કરતાં 7 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
સંરક્ષણ મંત્રીની ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સાથે બેઠક
ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. એવામાં હવે આજે ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સાથે બેઠક ચાલી રહી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે વધ્યું ઘર્ષણ
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (8 મે, 2025) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઇલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોનને આકાશમાં જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું.