BMC Election: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. સ્થિતિ સ્પષ્ટ થતાં શિવસેના(UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ગદ્દારી/દગો કરીને તેમણે જીત મેળવી છે. આ વિજય મુંબઈને ગીરવે રાખવા માટે છે.
તેમને કાગળ પર શિવસેનાને ખતમ કરી દીધું પણ..
ચૂંટણી પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે નિવાસસ્થાન માતોશ્રીમાં પાર્ટી કાર્યકરો અને વિજતાઓને સંબોધિત કર્યા જેમાં તેમણે કહ્યું કે, 'તમે બધા સફળતાના અસલી હકદાર છો, અમે માત્ર નિમિત્ત છીએ, તમામ વિકટ પરિસ્થિતિઓ વચ્ચે જે પરિણામ આવ્યું છે તે ગર્વ કરવાને લાયક છે. આપણા અને ભાજપમાં ફર્ક છે, તેમણે લાગે છે કે તેમને કાગળ પર શિવસેનાને ખતમ કરી દીધું છે, પણ આ શિવસેના જમીન પર ઊભી છે તે ખતમ થશે નહીં, કારણ કે તે(ભાજપ) જમીન સાથે જોડાયેલા નથી.
નિષ્ઠાને તે કોઈ દિવસ ખરીદી નહીં શકે
ઉદ્ધવ ઠાકરેએ મહાયુતિ પર આરોપ જડતાં કહ્યું કે, આ ચૂંટણીમાં સામ-દામ-દંડ-ભેદ, સત્તા અને એજન્સીઓનો દુરુપયોગ થયો, દગાબાજો ચાલ્યા ગયા પણ નિષ્ઠાને તે કોઈ દિવસ ખરીદી નહીં શકે. હું તમને બધાને આદરપૂર્વક નમન કરું છું. આપણી જવાબદારી હવે વધી ગઈ છે, આપણો મેયર બને તેવું મારું સપનું છે. જો ઈશ્વરની ઇચ્છા હશે તો તે પણ પૂરું થશે. તેમને શિંદે જૂથ પર આડ કતરો પ્રહાર કરતાં કહ્યું કે એ પાપને મરાઠી લોકો કોઈ દિવસ માફ નહીં કરે.
'આપણી પાસે તન અને મન છે, તેમની પાસે માત્ર ધન છે'
વધુમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, મને ગર્વ છે, તમે નિષ્ઠા અને સંઘર્ષ કર્યો, જ્યારે ચૂંટણી પ્રચારમાં હું ફરી રહ્યો હતો ત્યારે તમને કોઈ ખાસ સુવિધા ન આપી શક્યો, આપણી પાસે તન અને મન છે, તેમની પાસે માત્ર ધન છે. આપણી એક્તાએ તેમનો પરસેવો છોડાવી દીધો. લડાઈ હજુ સુધી ખતમ થઈ નથી, જિદ્દીપણું/હઠ છે તેને કોઈ ખરીદી નહીં શકે, હઠના દમ પર જ આપણે આગળ જીતીશું.
હાર સ્વીકાર્ય પણ હિંમત નથી હાર્યા: રાજ ઠાકરે
મુંબઈની 227 સભ્યોની BMCમાં MNSને માત્ર 6 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. આ હારને સ્વીકારતા રાજ ઠાકરેએ કહ્યું કે MNSને અપેક્ષિત સફળતા મળી નથી, પરંતુ આનાથી પાર્ટી હતાશ નથી થઈ અને ન તો હાર માની રહી છે. તેમણે MNSના ચૂંટાયેલા તમામ કાઉન્સિલરોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે તેઓ સત્તાધારી શક્તિઓ સામે જમીન પર મજબૂતીથી ઊભા રહેશે, ચૂંટણીના પરિણામોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે. તેમણે કહ્યું, "શું ખોટું થયું, શું છૂટી ગયું, ક્યાં કમી રહી ગઈ અને આગળ શું કરવું છે, અમે સૌ સાથે મળીને તેનું વિશ્લેષણ કરીશું અને યોગ્ય કાર્યવાહી કરીશું." તેમણે MNSના મૂળભૂત સિદ્ધાંતોને પુનરોચ્ચાર કરતાં કહ્યું કે પાર્ટી મરાઠી લોકો, મરાઠી ભાષા, મરાઠી અસ્મિતા અને સમૃદ્ધ મહારાષ્ટ્ર માટે સંઘર્ષરત છે.
આ પણ વાંચો: મુંબઈમાં 30 વર્ષે ઠાકરેનો કિલ્લો ધ્વસ્ત! પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી શાખ?
પરિણામ પર કરો નજર
મહત્ત્વનું છે કે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપે 1997થી ચાલતા ઠાકરે પરિવારના ગઢને તોડી પાડ્યો છે. મહાયુતિ ગઠબંધને 227 બેઠકો સાથે બહુમતી મેળવી છે અને ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યું છે. જોકે, પૂણે કે નાગપુર જેવી સ્પષ્ટ બહુમત ન મળતાં ભાજપે સત્તા માટે એકનાથ શિંદે સાથે મળીને ચાલવું પડશે. આ ચૂંટણીમાં ભાજપ-શિંદે ગઠબંધને(મહાયુતિ) 118(ભાજપ: 89 બેઠકો, શિવસેના (શિંદે જૂથ): 29 બેઠકો)થી વધુ બેઠકો જીતીને બહુમતનો આંકડો વટાવી દીધો છે. ઉદ્ધવ ઠાકરેના ગઢમાં પડેલા આ ગાબડાને કારણે મુંબઈનું રાજકારણ હવે નવા વળાંક પર છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના ગઠબંધને કુલ 71 બેઠકો (શિવસેના UBT: 65, મનસે: 6) જીતી, પરંતુ તેઓ સત્તા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા. મરાઠી વિસ્તારોમાં તેમનું સમર્થન જળવાઈ રહ્યું, પરંતુ અન્ય વિસ્તારોમાં પ્રદર્શન નબળું રહ્યું. બીજી તરફ, કોંગ્રેસે 24 બેઠકો મેળવી, જ્યારે AIMIM એ આશ્ચર્યજનક રીતે પોતાની બેઠકો 2થી વધારીને 8 કરી છે.


