Get The App

મુંબઈમાં 30 વર્ષે ઠાકરેનો કિલ્લો ધ્વસ્ત! પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી શાખ?

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
BMC Election Results 2026


BMC Election Results 2026: મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના પરિણામોએ મુંબઈના રાજકારણમાં મોટા ફેરફારો લાવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપે 1997થી ચાલતા ઠાકરે પરિવારના ગઢને તોડી પાડ્યો છે. મહાયુતિ ગઠબંધને 227 બેઠકો સાથે બહુમતી મેળવી છે અને ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યું છે. જોકે, પુણે કે નાગપુર જેવું સ્પષ્ટ બહુમત ન મળતા ભાજપે સત્તા માટે એકનાથ શિંદે સાથે મળીને ચાલવું પડશે.

રસપ્રદ વાત એ છે કે, ભલે મહાયુતિ જીતી હોય, પરંતુ મુંબઈમાં બેઠકોની સંખ્યામાં ઉદ્ધવ ઠાકરે (UBT)એ એકનાથ શિંદેને પાછળ છોડી દીધા છે. ભલે અન્ય ગઢમાં શિંદે મજબૂત રહ્યા હોય, પણ મુંબઈના 'મરાઠી માણૂસ'ના દિલમાં ઉદ્ધવ ઠાકરેએ પોતાનું સ્થાન અને રાજકીય શાખ જાળવી રાખી છે.

દેવેન્દ્ર ફડણવીસ કેવી રીતે બન્યા મુંબઈના રાજકારણના 'કિંગ'?

દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના રાજકીય માંધાતાઓને તેમના જ મેદાનમાં પછડાટ આપી છે. ભાજપની આ જીત પાછળ વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure)નો મોટો હાથ છે. ફડણવીસે 'ઈન્ફ્રા મેન' તરીકે પોતાની છબી મજબૂત કરી અને મુંબઈના રસ્તાઓ, મેટ્રો તેમજ કોસ્ટલ રોડના કામોને મતદારો સમક્ષ સફળતાપૂર્વક રજૂ કર્યા. ભાજપે ખૂબ જ ચતુરાઈથી ભાષાકીય વિવાદો ટાળ્યા અને પીએમ મોદીને પણ પ્રચારથી દૂર રાખ્યા, જેથી મરાઠી-ગુજરાતી મતોનું ધ્રુવીકરણ ન થાય. આ સચોટ વ્યૂહરચનાને કારણે જ ભાજપે 29માંથી 25 નગર નિગમોમાં જીત મેળવી ફડણવીસનું કદ સૌથી ઊંચું કરી દીધું છે.

ભાજપે મુંબઈમાં ત્રણ સ્તરે સંતુલન જાળવ્યું

હિન્દી ભાષાના વિવાદ પર ડેમેજ કંટ્રોલ: મરાઠી મતોના ધ્રુવીકરણને રોકવા માટે ભાજપે પ્રાથમિક શાળાઓમાં હિન્દી થોપવા જેવા વિવાદોને કુશળતાપૂર્વક હેન્ડલ કર્યા અને લોકોની ચિંતાઓને દૂર કરી.

એકનાથ શિંદે પ્રત્યે નરમ વલણ: અન્ય શહેરોમાં ભાજપ અને શિંદે વચ્ચે સીટ શેરિંગમાં ખેંચતાણ રહી, પરંતુ મુંબઈમાં ભાજપે શિંદેને સાથે રાખવાની રણનીતિ અપનાવી. કારણ કે શિવસેનાનું નામ અને પ્રતીક(ધનુષ-બાણ) બ્રાન્ડ ફેક્ટર તરીકે મહત્ત્વના હતા.

પીએમ મોદી ફેક્ટર પર નિયંત્રણ: ભાજપે વડાપ્રધાન મોદીને મુંબઈના ચૂંટણી પ્રચારમાં ઉતારવાનું ટાળ્યું. જો પીએમ મોદી સીધા આ જંગમાં આવ્યા હોત, તો મરાઠી-ગુજરાતી વિભાજન અને લઘુમતી મતોના એકત્રીકરણની શક્યતા વધી ગઈ હોત.

આ પણ વાંચો: વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે ટ્રેન

મરાઠી અસ્મિતા અને રાજ-ઉદ્ધવની જોડીની શું અસર રહી?

આ ચૂંટણીમાં ઠાકરે ભાઈઓના ગઠબંધને 'મરાઠી અસ્મિતા'નો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો. 1980ના દાયકા પછી આ પ્રથમ વખત હતું જ્યારે ઠાકરેની સેના માત્ર 'મરાઠી માણૂસ'ના નામે લડી. ભાજપે આનો તોડ કાઢવા માટે એકનાથ શિંદેને સાથે રાખ્યા, જેમના પાસે અસલી શિવસેનાનું ચિહ્ન 'ધનુષ-બાણ' હતું. રાજ ઠાકરેની મનસે ભલે પોતે વધુ બેઠકો ન જીતી શકી, પરંતુ તેમના કાર્યકરોએ ઉદ્ધવ જૂથ સાથે મળીને જમીન સ્તર પર મજબૂત પકડ બનાવી, જેના કારણે ભાજપ મુંબઈમાં પૂર્ણ બહુમતી મેળવતા અટકી ગયું.

મુંબઈ પર રાજ કરવા માટે ભાજપને હજુ પણ સ્થાનિક પક્ષોના ટેકાની જરૂર

આ પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપ હવે મહારાષ્ટ્રમાં 'મોટા ભાઈ'ની ભૂમિકામાં છે. પરંતુ મુંબઈ જીતવા માટે તેને હજુ પણ પ્રાદેશિક સાથીઓની જરૂર પડશે. એકનાથ શિંદેનું મહત્ત્વ હજુ ઘટ્યું નથી, કારણ કે ભાજપ તેમના વગર બીએમસીનો મેયર બનાવી શકે તેમ નથી. બીજી તરફ, વિપક્ષ માટે સંદેશ છે કે માત્ર ભાવનાત્મક મુદ્દાઓથી કામ નહીં ચાલે, જનતાને વિકાસનો નક્કર મોડલ જોઈએ છે.

મુંબઈમાં 30 વર્ષે ઠાકરેનો કિલ્લો ધ્વસ્ત! પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી શાખ? 2 - image