હરિયાણામાં વોટ ચોરીના આરોપો સાથે બ્રાઝિલની જે મોડેલનો રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો તેણે આપ્યો જવાબ!

Rahul Gandhi Brazil Model Girl: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને ફરી એકવાર ચૂંટણી પંચના કામકાજ પર સવાલ ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે હરિયાણાની મતદાર યાદીમાં 25 લાખ બોગસ નામ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હરિયાણામાં બ્રાઝિલની એક મોડેલે 22 વખત મતદાન કર્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે આ મોડેલનું નામ આખરે હરિયાણાની મતદાર યાદીમાં ક્યાંથી આવ્યું. રાહુલ ગાંધીએ તે યુવતીનું નામ Matheus Ferrero જણાવ્યું છે.
આ પ્રેસ કોન્ફરન્સ પછી બ્રાઝિલની આ યુવતીએ પ્રતિક્રિયા આપી છે. જોકે, તેણે પોતાની પ્રતિક્રિયા બ્રાઝિલિયન ભાષામાં આપી છે. જણાવી દઈએ કે તેનું નામ લારિસ (Laris) છે. તે અગાઉ મોડેલિંગ કરતી હતી, પરંતુ હવે તેણે આ વ્યવસાયથી દૂરી બનાવી લીધી છે. જોકે, તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટીવ રહે છે. લારિસે કહ્યું કે તેને ભારતમાંથી ઘણા પત્રકારોના મેસેજ આવી રહ્યા છે.
બ્રાઝિલિયન મોડેલનું નિવેદન
'હેલો ઇન્ડિયા, હું જ છું એ બ્રાઝિલિયન મોડેલ જેના વિશે તમે બધા વાત કરી રહ્યા છો... જુઓ, સૌથી પહેલા હું સ્પષ્ટ કરી દઉં. મારે ભારતની રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. મને ભારતીય પત્રકારો માટે એક વીડિયો બનાવવાનું કહેવામાં આવ્યું હતું અને હું બસ તે જ કરી રહી હતી. સાચું કહું તો, હું ક્યારેય ભારત આવી પણ નથી. હું પહેલા મોડેલ હતી, હવે ડિજિટલ ઇન્ફ્લુએન્સર છું. પણ હા, મને ભારતના લોકો માટે ખૂબ પ્રેમ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર... નમસ્તે!
મોડેલે વધુમાં કહ્યું કે, 'હવે આ આખો મામલો થોડો ગંભીર થઈ ગયો છે. કેટલાક ભારતીય પત્રકારો મારો સંપર્ક કરી રહ્યા છે, મારા વિશે જાણવા માંગે છે, ઇન્ટરવ્યૂ લેવા માંગે છે અને હા, મેં બધાને જવાબ આપ્યો છે. દરેક સવાલનો.'
મેથ્યુસ ફેરેરોએ કહ્યું કે, 'હા, હું જ તે રહસ્યમય બ્રાઝિલિયન મહિલા છું, તે જ જેને તમે બધા શોધી રહ્યા છો. પણ હું તો બસ બાળકો સાથે કામ કરું છું, આટલું જ. હવે તો હું મોડેલ પણ નથી અને તમારા હિસાબે હવે રહસ્યમય પણ બની ગઈ છું! મારા ભારતીય મિત્રો, મારા ઇન્સ્ટાગ્રામ પર તમારું સ્વાગત છે. ચાલો, હવે હું તમારા સૌ સાથે વાત કરીશ. જે તસવીરો ફેલાઈ. તે હું નહોતી, માત્ર મારી તસવીરો હતી. તેમ છતાં, હું તમારી ચિંતા અને દયાની ભાવના માટે ખરેખર આભારી છું.'
આ ગંભીર મામલા વિષે વાત કરતા મેથ્યુસ ફેરેરોએ કહ્યું કે, 'ઘણા લોકો કહે છે કે, શું હું ઇન્ડિયન જેવી દેખાઉં છું? મને તો લાગે છે કે હું થોડી મેક્સિકન જેવી દેખાઉં છું! પણ ખરેખર, હું ભારતની જનતાની દયાથી ખૂબ પ્રભાવિત છું. તમે મારી સ્ટોરીઝ જુઓ છો, તેને અખબારો સુધી પહોંચાડો છો અને તેનો અનુવાદ કરો છો. આ મારા માટે ખૂબ મોટી વાત છે. મેં આ વીડિયો ભારતના લોકો માટે બનાવ્યો છે. તમારા માટે. હવે તો મારે હિન્દીના (ગુજરાતીના) કેટલાક શબ્દો પણ શીખવા પડશે. અત્યારે તો હું માત્ર નમસ્તે જ જાણું છું, પણ કદાચ હવે વધુ શીખી લઈશ. અને હા... કદાચ હું હવે ભારતમાં ફેમસ થવાની છું! વિચારો તો ખરા, એક બ્રાઝિલિયન મોડેલ... ભારતમાં ફેમસ! પણ આ મુદ્દા પર બસ આટલું જ કહેવા માંગીશ. મામલો હવે બહુ ગંભીર થઈ ગયો છે અને મારે જે કહેવાનું હતું, તે મેં કહી દીધું છે.'
આ પણ વાંચો: પાન મસાલાની ભ્રામક એડ બદલ સલમાન ખાનને કોર્ટની નોટિસ, કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ
રાહુલ ગાંધીનો દાવો
રાહુલ ગાંધીએ 5 નવેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કર્યો હતો કે જ્યારે હરિયાણામાં ચૂંટણી થઈ હતી, તે સમયે 25 લાખ બોગસ મતદારો હતા. તેમણે એક બ્રાઝિલિયન મોડેલના ફોટોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ તસવીરનો 22 વખત અલગ-અલગ નામો સાથે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મહિલા કોણ છે? બ્રાઝિલની મોડેલ છે, પરંતુ હરિયાણામાં 22 વખત વોટ નાખી ચૂકી છે.'

