61 કેસ, 19ના મોત...! કેરળમાં 'મગજ ખાઈ જતી અમીબા'ના કારણે ફફડાટ, નવજાત બાળકથી લઈને વૃદ્ધો ઝપેટમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Primary Amoebic Meningoencephalitis Case in Kerala : કેરળમાં એક ભયાનક બિમારી ફેલાઈ રહી છે, જેના નાના બાળકથી લઈને વૃદ્ધો ઝપેટમાં આવી રહ્યા છે. આ બિમારીનું નામ 'પ્રાઈમરી અમીબિક મેનિન્જોએન્સેફાલાઈટિસ' (PAM) છે, જેના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ બિમારીને સામાન્ય રીતે ‘મગજ ખાઈ જતી અમીબા’ તરીકે ઓળખવામાં આવે છે. આ એક મગજનો ચેપ છે, જે નેગલેરિયા ફાઉલેરી નામના અમીબાથી થાય છે અને તેનો મૃત્યુદર ઘણો ઊંચો છે.
કેરળમાં 61 કેસ, 19ના મોત
આ વર્ષે કેરળમાં PAMના 61 કેસ નોંધાયા છે, જેમાં 19 લોકોનાં મૃત્યુ થયાં છે. આ આંકડાએ આરોગ્ય અધિકારીઓને દોડતા કરી દીધા છે. આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, અમારું રાજ્ય એક ગંભીર જાહેર આરોગ્ય પડકારનો સામનો કરી રહ્યું છે. આમ તો આ ચેપ અગાઉ કોઝિકોડ અને મલપ્પુરમ જેવા જિલ્લાઓ પૂરતો મર્યાદિત હતો, જોકે હવે તે રાજ્યભરમાં ફેલાઈ રહ્યો છે.
કેરળમાં 2016માં નોંધાયો હતો પ્રથમ કેસ
કેરળમાં આ ચેપનો પ્રથમ કેસ 2016માં નોંધાયો હતો અને 2023 સુધી કુલ આઠ કેસ હતા. જ્યારે 2024માં 36 કેસ અને નવ મોત થયા હતા, જ્યારે 2025માં અત્યાર સુધીમાં 61 કેસ અને 19 મોત નોંધાયા છે. કેરળનું આરોગ્ય વિભાગ અમીબા સંક્રમણને અટકાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે અને સંક્રમણની ઓળખ કરવા માટે પાણીના નમૂનાઓ પણ લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : ભારત અમેરિકા પાસેથી ખરીદશે 6 ‘P-8I એરક્રાફ્ટ’, દિલ્હીમાં બેઠક શરૂ, જાણો ખાસિયત
પ્રાઈમરી અમીબિક મેનિન્જોએન્સેફાલાઈટિસ કેવી રીતે ફેલાય છે?
આ ચેપ ગરમ, સ્થિર અને મીઠા પાણીમાં હોય છે, જેમ કે તળાવો, નદીઓ, ગરમ ઝરણાં, અને ક્લોરિનયુક્ત સ્વિમિંગ પુલમાં. દૂષિત પાણી નાકથી શરીરમાં પ્રવેશે, ત્યારે ચેપની અસર શરૂ થાય છે. અમીબા ચેપ નાકમાંથી શરીરમાં ગયા બાદ મગજ સુધી પહોંચે છે અને મગજની પેશીઓનો નુકસાન કરવાનું શરૂ કરે છે, જેના પરિણામે મગજમાં ગંભીર સોજો સહિતની ગંભીર અસરો ઉભી થાય છે. આ ચેપ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી.
ચેપના લક્ષણો
ચેપના લક્ષણો સામાન્ય રીતે ચેપ લાગ્યાના એકથી નવ દિવસની અંદર દેખાય છે અને ખૂબ ઝડપથી ફેલાય છે. પ્રારંભિક લક્ષણોમાં તીવ્ર માથાનો દુખાવો, તાવ, ઉબકા અને ઊલટી, ગરદન જકડાઈ જવી, ગંધ અને સ્વાદ પારખવામાં ફેરફાર જેવી અસરો વર્તાય છે. આ રોગથી બચવા સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો : કર્ણાટકમાં SBIમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ









