For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચંડીગઢ યુનિ.ની વિદ્યાર્થિનીઓના વીડિયો બનાવવા બોયફ્રેન્ડ બ્લેકમેલ કરતો હતો

Updated: Sep 21st, 2022


- ધરપકડ કરાયેલી વિદ્યાર્થિનીનો પોલીસ સમક્ષ ખુલાસો

- યુનિવર્સિટી બહારના યુવકોએ વિદ્યાર્થિનીઓના અશ્લિલ વીડિયો મંગાવીને તેને વેચવાનો કારસો રચ્યો હોવાની શંકા

- આરોપી વિદ્યાર્થિનીના મોબાઇલમાંથી 12 વીડિયો મળ્યા, વીડિયો ઉતાર્યા પણ અશ્લિલ ન હોવાનો વકીલનો દાવો

મોહાલી : પંજાબના મોહાલી સ્થિત ચંડીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓના હોસ્ટેલમાં નહાતા વીડિયો એક અન્ય વિદ્યાર્થિનીએ ઉતારી લીધા હોવાના કથીત મામલામાં નવો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિદ્યાર્થિનીના મોબાઇલમાંથી ૧૨ જેટલા વાંધાજનક વીડિયો મળ્યા છે પણ તે તેના પોતાના છે. જ્યારે વિદ્યાર્થિનીને તેનો બોયફ્રેન્ડ અન્ય વિદ્યાર્થિનીઓના વીડિયો બનાવવા અને મોકલવા બ્લેકમેલ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.

દરમિયાન આરોપી વિદ્યાર્થિનીના વકીલે કોર્ટમાં સ્વિકાર કર્યો હતો કે આ વિદ્યાર્થિનીએ અન્ય એક વિદ્યાર્થિની નહાતી હતી ત્યારે વીડિયો બનાવ્યો હતો. જોકે આ વીડિયો વાંધાજનક નથી. હાલ આ મામલાની તપાસ પંજાબ પોલીસે ત્રણ અધિકારીઓ દ્વારા ગઠીત એસઆઇટીને સોપી દીધી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ મામલામાં સની નામના એક આરોપીની હિમાચલમાંથી ધરપકડ કરાઇ હતી, સનીએ હોસ્ટેલની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી, બાદમાં તેની પાસેથી અશ્લીલ વીડિયો મંગાવતો હતો, તે પોતાના મિત્ર રંકજ વર્મા અને અન્ય એક યુવકની સાથે મળીને આ વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરતો હતો. અને અન્ય વિદ્યાર્થિનીઓના અશ્લીલ વીડિયો બનાવીને મોકલવા દબાણ કરતો હતો. 

પોલીસને શંકા છે કે વિદ્યાર્થિનીઓના અશ્લીલ વીડિયો બનાવીને તેને વેચવાનું આ કાવતરુ કેટલાક યુવકો દ્વારા ઘડવામાં આવ્યું હોઇ શકે છે. હાલ જે પણ આરોપીઓની ધરપકડ કરાઇ છે તેમને સાત દિવસના રિમાંડ પર મોકલવામાં આવ્યા છે. તેઓની પૂછપરછમાં અન્ય ખુલાસા થઇ શકે છે. આરોપી વિદ્યાર્થિનીના મોબાઇલમાંથી ૧૨ જેટલા વીડિયો મળી આવ્યા છે. જોકે આ વીડિયો તેના પોતાના હોવાનો દાવો પોલીસે કર્યો હતો. આ વિદ્યાર્થિનીએ પોતાના બોયફ્રેન્ડ સાથે વોટ્સએપમાં જે ચેટ કરી હતી તે પણ પોલીસે મેળવી લીધી છે. 

ચેટમાં જોકે એવો દાવો કરાયો છે કે કોઇ મોહિત નામનો યુવક ચેટિંગમાં વિદ્યાર્થિનીને કહી રહ્યો છે કે તેના મોબાઇલમાં જે પણ વીડિયો હોય તેને ડિલિટ કરી દે. જોકે તેના જવાબમાં વિદ્યાર્થિની કહી રહી છે કે આજ મરવા હી દીયા થા, ક્યુંકી એક છાત્રાને નહાતી હુઇ છાત્રા કા વીડિયો લેતે હુંએ દેખ લીયા થા. પોલીસે આરોપીઓના મોબાઇલ, લેપટોપ જપ્ત કરી લીધા છે. આરોપી વિદ્યાર્થિનીએ પોતાના જે પણ વીડિયો બોયફ્રેન્ડ સની મેહતાને મોકલ્યા હતા, તેને બોયફ્રેન્ડે પોતાના મિત્ર  રંકજ વર્માને મોકલી દીધા હતા. બાદમાં આ વીડિયો વાઇરલ કરી દઇશ તેવી ધમકી આપીને અન્ય વિદ્યાર્થિનીઓના નહાતા વીડિયો મગાવવા બ્લેકમેલ કરવા લાગ્યા હતા. 

Gujarat