બિહારના પરિણામે મહારાષ્ટ્રમાં મચાવી હલચલ, ઉદ્ધવે કોંગ્રેસને લઈને કરી દીધી ચોંકાવનારી વાત

Maharashtra Political News : બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ મહારાષ્ટ્રમાં શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધ ઠાકરેએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યો છે. આ સાથે તેમણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ અંગે પણ ચોંકાવનારી વાત કરી છે. ઉદ્ધવની વાત પરથી એવું લાગી રહ્યું છે કે, રાજ્યમાં મહા વિકાસ અઘાડી ગઠબંધન (MVA)ના સાથી પક્ષો વચ્ચે બધું બરાબર નથી.
કોંગ્રેસ સ્વતંત્ર, અમે પણ સ્વતંત્ર
ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પણ સ્વતંત્ર છે અને અમે પણ સ્વતંત્ર છીએ. તેમણે આજે (16 નવેમ્બર) સ્પષ્ટ કહ્યું છે કે, ‘કોંગ્રેસ સ્વતંત્ર પાર્ટી છે, તેઓ પોતાના નિર્ણયો લેવા માટે આઝાદ છે. મારી પાર્ટી પણ સંપૂર્ણ સ્વતંત્ર છે. કોંગ્રેસને જે રીતે ચૂંટણી લડવી હોય તે રીતે લડે, તે તેમનો નિર્ણય છે અને તેમની જેમ અમારી પાર્ટી પણ પોતાના નિર્ણયો પોતે જ લેશે.’ કોંગ્રેસે તાજેતરમાં જ કહ્યું હતું કે, તેઓ બીએમસીની ચૂંટણી એકલા હાથે લડશે. આ ઉપરાંત એમવીએમાં રાજ ઠાકરેની પાર્ટી MNSને લાવવાની ચર્ચાઓ થઈ રહી છે, જેને લઈને કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજ છે.
આ પણ વાંચો : તેજ પ્રતાપની પાર્ટી JJDએ NDAને આપ્યું સમર્થન, બહેન રોહિણીને પણ મોટી ઓફર
ઉદ્ધવ ઠાકરેએ બિહાર ચૂંટણી પરિણામ પર શું કહ્યું?
શિવસેના યુબીટીના પ્રમુખે બિહાર ચૂંટણી પરિણામ પર પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘સમજાતું નથી કે, ચૂંટણી સભાઓમાં લાખો લોકો આવ્યા હતા, છતાં ઉમેદવાર હારી ગયા. આ કયું નવું લોકશાહીનું ગણિત છે?’ તેજસ્વી યાદવની સભામાં ભારે ભીડ ઉમટી હતી છતાં પાર્ટીની હાર થઈ છે, ત્યારે ઉદ્ધવે આ હાર મુદ્દે પૂછ્યું છે કે, ‘સભામાં ઉમટેલી ભીડનું સમર્થન અસલી હતું કે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી બનાવેલી બનાવટી ભીડ.?
ચૂંટણી પંચ પર પણ સાધ્યું નિશાન
તેમણે એમ પણ કહ્યું કે, ‘વિપક્ષો મતદાર યાદીમાં અનિયમિતતાની હોવાની સતત ફરિયાદો કરી રહ્યા છે, માર્ચ યોજી રહ્યા છે, છતાં ચૂંટણી પંચ આ મુદ્દે વાત કરવા તૈયાર નથી. અમે ચૂંટણીનો વિરોધ નથી કરતા, ચૂંટણી રાજનીતિનો પ્રાણ છે. પરંતુ જો પ્રક્રિયા પારદર્શક ન હોય તો શું તેને લોકશાહી કહી શકાય?’ તેમણે આક્ષેપ કર્યો છે કે, ભાજપ દેશમાં પ્રાદેશિક પાર્ટીઓને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે અને આવું રાજકારણ વધુ સમય સુધી ટકતો નથી.’

