તેજ પ્રતાપની પાર્ટી JJDએ NDAને આપ્યું સમર્થન, બહેન રોહિણીને પણ મોટી ઓફર

Bihar Political News : બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ની શરમજનક હાર થયા બાદ પાર્ટીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવની એક પછી એક મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે. પહેલા યાદ પરિવારમાંથી તેજ પ્રતાપને હાંકી કઢાયા હતા, હવે લાલુની પુત્રી રોહિણીએ પણ પરિવાર સાથે સંબંધો તોડી નાખ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે બહેનના અપમાન અને ઘરમાંથી હાંકી કાઢવા મામલે તેજ પ્રતાપ યાદવે મોટી જાહેરાત કરી છે.
JJDએ NDAને સમર્થન આપ્યું, રોહિણીને રાષ્ટ્રીય સંરક્ષક બનાવશે
બિહારના રાજકારણમાં તેજ પ્રતાપ યાદવ (Tej Pratap Yadav)ની નવી પાર્ટી જનશક્તિ જનતા દળ (Janshakti Janata Party-JJD)ની બેઠક યોજાઈ હતી, જેમાં NDA સરકારને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે JJDની રાષ્ટ્રીય પ્રવક્તા પ્રેમ યાદવે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે, ‘તેજ પ્રતાપ યાદવે બેઠકમાં પ્રસ્તાવ રાખ્યો છે કે, રોહિણીને જેજેડીના રાષ્ટ્રીય સંરક્ષક બનાવવામાં આવશે. આ પદ માટે ટૂંક સમયમાં રોહિણી આચાર્ય (Rohini Acharya)ને વિનંતી કરવામાં આવશે.’
‘જનશક્તિ જનતા દળ જ અસલી લાલૂ યાદવ પાર્ટી’
તેજ પ્રતાપે યાદવ પરિવાર સાથે રાજકીય અને પારિવારિક વિવાદને પહેલેથી જ જાહેર કરી દીધા છે. ત્યારબાદ તેમણે પોતાની નવી પાર્ટી પણ બનાવી દીધી છે અને અવારનવાર યાદવ પરિવાર પર નિશાન સાધી રહ્યા છે. તેજ પ્રતાપે ચૂંટણી ટાણે કહ્યું હતું કે, ‘જનશક્તિ જનતા દળ જ અસલી લાલૂ યાદવ પાર્ટી છે.’
બિહાર ચૂંટણીમાં JJDના તમામ ઉમેદવારની હાર
બિહાર વિધાનસભા ચૂંટણી-2025માં તેજ પ્રતાપની પાર્ટીએ રાજ્યભરમા 21 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા અને પોતે પણ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. તેજ પ્રતાપ આરજેડીનો ગઢ કહેવાતી મહુઆ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી ટાણે તેમણે કહ્યું હતું કે, અમારી પાર્ટી 10થી 15 બેઠકો જીતી જશે, જોકે પરિણામ સામે આવ્યા બાદ JJDનો એક પણ ઉમેદવાર જીત્યો ન હતો.
તેજ પ્રતાપ અને રોહિણીના પરિવાર સાથે સંબંધો તૂટ્યા
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયમાં લાલુ પ્રસાદ યાદવ પરિવારમાં વિખવાદ ચાલી રહ્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા તેજ પ્રતાપને યાદવ પરિવાર અને આરજેડીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. હવે વિધાનસભાનું પરિણામ આવ્યા બાદ લાલુ યાદવની પુત્રી રોહિણીએ પરિવારની મુશ્કેલી વધારી છે. રોહિણીએ તાજેતરમાં જ યાદવ પરિવારથી સંબંધો તોડવાની જાહેરાત કરી હતી.
રોહિણીની પોસ્ટ બાદ વિવાદ
ઉલ્લેખનીય છે કે, લાલુની પુત્રી રોહિણી આચાર્ય (Rohini Yadav)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાહેરાત કરી કે, ‘હું રાજકારણ છોડી રહી છું અને પરિવાર સાથેના સંબંધ તોડી રહી છું. મને સંજય યાદવ અને રમીઝે આવું કરવાનું કહ્યું છે. હું તમામ દોષ પોતાના શિરે લેવા તૈયાર છું.’
તેજ પ્રતાપ યાદવનો પણ પરિવાર વિરુદ્ધ બળવો
વિધાનસભા ચૂંટણી પહેલા જ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવને પક્ષમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. આટલું જ નહીં પરિવાર સાથે સંબંધ સમાપ્ત થવાના કારણે તેજ પ્રતાપ યાદવે પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવી ચૂંટણી લડી હતી. તેમણે પણ તેજસ્વી યાદવ (Tejashwi Yadav)ના નજીકના ગણાતા સંજય યાદવ પર જ આરોપો લગાવ્યા હતા. એવામાં હવે તેજ પ્રતાપ યાદવ બાદ રોહિણીએ પણ સંજય યાદવનું નામ લઈ પરિવાર સાથે સંબંધ તોડ્યો છે.
આ પણ વાંચો : જૈશ આતંકી મોડ્યુલ: અનંતનાગમાં દરોડા બાદ હરિયાણાથી ડૉ. પ્રિયંકા શર્માની અટકાયત

