Get The App

BMCના મેયર અંગે નવો વળાંક, ફડણવીસ સરકારનું એક પગલું અને બદલાઈ ગયો 'ખેલ'

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
BMCના મેયર અંગે નવો વળાંક, ફડણવીસ સરકારનું એક પગલું અને બદલાઈ ગયો 'ખેલ' 1 - image


BMC Mayor: દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા BMCના મેયર પદ માટેની જંગ હવે રસપ્રદ મોડ પર પહોંચી છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના 'મેયર આપણો જ હશે' તેવા નિવેદન બાદ એકશનમાં આવેલી મહાયુતિ સરકારે મેયરની ચૂંટણી પ્રક્રિયાના વર્ષો જૂના નિયમોમાં ધરખમ સુધારો કરી નાખ્યો છે. આ સુધારા બાદ હવે ચૂંટણી પ્રક્રિયા પર સરકારના સીધા પ્રતિનિધિનું નિયંત્રણ રહેશે.

શું હતો જૂનો નિયમ અને ઠાકરે જૂથની વ્યૂહરચના?

પરંપરાગત રીતે, નવા મેયરની વરણી ન થાય ત્યાં સુધી પ્રથમ બેઠકની અધ્યક્ષતા કાં તો વિદાય લેતા મેયર અથવા ગૃહના સૌથી વરિષ્ઠ કોર્પોરેટર કરતા હતા. BMCનો કાર્યકાળ પૂરો થયે ત્રણ વર્ષ વીતી ગયા હોવાથી વિદાય લેતા મેયરનો વિકલ્પ નહોતો. જૂના નિયમ મુજબ ઉદ્ધવ જૂથના વરિષ્ઠ કોર્પોરેટર શ્રદ્ધા જાધવ પ્રિસાઇડિંગ ઑફિસર બની શકતા હતા. જો વિપક્ષના વ્યક્તિ આ પદ પર હોય, તો ટેકનિકલ કારણોસર શાસક પક્ષ(મહાયુતિ)ને મુશ્કેલી પડી શકતી હતી.

આ પણ વાંચો: દેશ આઝાદ થયા બાદ 41 ગામડા પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે, ખાસ છે કારણ

સરકારે કરેલો ફેરફાર 

રાજ્ય સરકારે નવા જાહેરનામા દ્વારા પ્રિસાઇડિંગ ઑફિસરની નિમણૂકના નિયમો જ બદલી નાખ્યા છે. હવે મેયરની ચૂંટણી પ્રક્રિયા રાજ્ય સરકારના સચિવ સ્તર કે તેથી ઉપરના અધિકારી દ્વારા હાથ ધરવામાં આવશે. વર્તમાન મ્યુનિસિપલ કમિશ્નર ભૂષણ ગગરાણી, જેઓ મુખ્ય સચિવ સ્તરના અધિકારી છે, તેઓ હવે આ પ્રક્રિયામાં પ્રિસાઇડિંગ ઑફિસર રહેશે. નવા ચૂંટાયેલા મેયર હવે ડેપ્યુટી મેયરની ચૂંટણી દરમિયાન અધ્યક્ષ તરીકે કાર્ય કરી શકશે નહીં.

રાજકીય ટકરાવના એંધાણ

વર્ષ 1997થી અત્યાર સુધી શિવસેના-ભાજપ ગઠબંધન વખતે ક્યારેય આ મુદ્દે વિવાદ થયો નહોતો. પરંતુ શિવસેનામાં ભંગાણ બાદ બદલાયેલી સ્થિતિમાં ઠાકરે જૂથને રોકવા માટે ફડણવીસ સરકારનું આ પગલું અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ નવા નિયમોને કારણે મેયરની ચૂંટણીના પ્રથમ દિવસે જ ગૃહમાં ભારે હોબાળો અને વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન થવાની પૂરેપૂરી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, સરકારના આ નવા નોટિફિકેશનથી હવે BMCની સત્તા પર કબજો મેળવવો ઠાકરે જૂથ માટે કાયદાકીય અને ટેકનિકલ રીતે વધુ મુશ્કેલ બની ગયું છે.