Chhattisgarh News: દેશભરમાં આજે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવણી થઈ રહી છે, ત્યારે છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાંથી દેશને ગૌરવ અપાવનારા સમાચાર સામે આવ્યા છે. દાયકાઓ સુધી માઓવાદીઓના 'રેડ ટેરર' નીચે દબાયેલા બસ્તર વિભાગના 41 ગામોમાં આઝાદી પછી પહેલીવાર પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી કરવામાં આવશે. આ ઘટના લોકશાહી અને ભારતીય બંધારણના વિજયનું પ્રતીક બની રહી છે.
કયા જિલ્લાના કેટલા ગામોમાં થશે ધ્વજવંદન?
બસ્તર રેન્જના આઈજી સુંદરરાજના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોની સતત કામગીરીને કારણે માઓવાદી પ્રભાવથી મુક્ત થયેલા નારાયણપુર જિલ્લો 18 ગામ, બીજાપુર જિલ્લાના 13 ગામ, સુકમા જિલ્લાના 10 ગામનો સમાવેશ થાય છે. ગયા વર્ષે 15મી ઓગસ્ટે 13 ગામો આ યાદીમાં જોડાયા હતા, જે બાદ હવે કુલ 54 ગામો એવા છે જ્યાં પ્રથમ વખત રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઈ રહી છે.
આ પણ વાંચો: બંધારણ લાગુ કરવા માટે 26 જાન્યુઆરીની જ કેમ પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂનો ઇતિહાસ
શા માટે આ પરિવર્તન શક્ય બન્યું?
છેલ્લા કેટલાક મહિનાઓમાં આ દુર્ગમ વિસ્તારોમાં સુરક્ષા શિબિરો (Security Camps) સ્થાપવામાં આવી છે, જેનાથી સ્થાનિક આદિવાસીઓમાં વિશ્વાસ વધ્યો છે. બસવરાજુ, સુધાકર અને કે. રામચંદ્ર રેડ્ડી જેવા મોટા માઓવાદી નેતાઓને તટસ્થ કરવામાં આવતા બળવાખોરી નબળી પડી છે. 'નિયદ નેલ્લાનાર' (તમારું સારું ગામ) યોજના હેઠળ શિક્ષણ, આરોગ્ય અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ હવે છેવાડાના આદિવાસી વિસ્તારો સુધી પહોંચી રહી છે.
રાજ્યભરમાં પ્રજાસત્તાક પર્વની ધૂમ
છત્તીસગઢ સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્યપાલ રમન ડેકા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન કરશે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ તિરંગો ફરકાવશે. નાયબ મુખ્યમંત્રી અરુણ સો અને સુરગુજામાં વિજય શર્મા કાર્યક્રમોમાં હાજરી આપશે.
બસ્તરના આ 41 ગામોમાં તિરંગો લહેરાવવો એ માત્ર એક વિધિ નથી, પરંતુ તે વાતની સાબિતી છે કે ભયનું સ્થાન હવે શાંતિ અને વિકાસે લીધું છે. દાયકાઓથી રાષ્ટ્રીય પ્રવાહથી કપાયેલા આ ગ્રામજનો હવે ગર્વ સાથે કહી શકશે કે તેઓ લોકશાહી ભારતનો અભિન્ન હિસ્સો છે.


