45 વર્ષથી BJP જીતી નહોતી શકતી ત્યાં કમળ ખીલ્યું, PM મોદીએ કાર્યકરોને શુભકામના પાઠવી

BJP Scripts History in Kerala : કેરળના રાજકારણમાં આજે મોટા ફેરબદલ જોવા મળ્યા. સ્થાનિક ચૂંટણીમાં તિરુવનંતપુરમ નગર નિગમમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો. અહીં છેલ્લા ચાર દાયકાથી LDF સત્તામાં હતું.
તિરુવનંતપુરમ કેરળનું પાટનગર છે અને રાજકીય દૃષ્ટિથી પણ આ જિલ્લો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે. તિરુવનંતપુરમ લોકસભા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા કેન્દ્રીય મંત્રી શશી થરુર સતત ચાર વખતથી સાંસદથી તરીકે ચૂંટાયા છે. આ ક્ષેત્રમાં કોંગ્રેસ તથા લેફ્ટનું વર્ચસ્વ માનવામાં આવતું હતું. જોકે હવે નગર નિગમમાં ભાજપના વિજયથી દક્ષિણના રાજ્યમાં સમીકરણ બદલાયા છે.
45 વર્ષ બાદ કમળ ખીલ્યું
તિરુવનંતપુરમ નગર નિગમમાં ભારતીય જનતા પાર્ટીએ 101માંથી 50 વૉર્ડ પર જીત નોંધાવી છે. LDF(લેફ્ટ ગઠબંધન)ની 29 જ્યારે UDF (કોંગ્રેસ ગઠબંધન)ની 19 વૉર્ડ પર જીત થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી
આ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને કેરળના ભાજપ કાર્યકરોને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું છે કે ભાજપ અને NDAને મળતું સમર્થન એ વાતના સંકેત છે કે રાજ્યના લોકો માને છે કે કેરળના વિકાસની આકાંક્ષાઓ ભાજપ જ પૂરી કરી શકે છે.
કેરળમાં મુખ્યત્વે કોંગ્રેસના નેતૃત્વમાં UDF અને લેફ્ટ પાર્ટીઓના નેતૃત્વમાં LDF એમ બે ગઠબંધનને જ સત્તા મળતી રહી છે. એવામાં ભાજપ નેતાઓનો દાવો છે કે હવે અહીં પણ તેમનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે.

કેરળમાં કોંગ્રેસ ગઠબંધનનો દબદબો
સમગ્ર કેરળની વાત કરીએ તો કુલ 1,199 વૉર્ડમાંથી કોંગ્રેસ ગઠબંધન 3155, લેફ્ટ ગઠબંધન 2565 જ્યારે ભાજપ ગઠબંધન 577 વૉર્ડ પર આગળ છે. 532 વૉર્ડ પર અપક્ષ ઉમેદવારો બાજી મારી શકે છે.

