India

BJP-SAD ગઠબંધન પર ઘમાસાણ: AAPએ ગણાવ્યું 'ઠગબંધન', તો કોંગ્રેસે ‘ખેડૂત આંદોલન’ યાદ કરાવી સાધ્યું નિશાન

By GS Team
24 Nov 20263 mins read
TukuTouch Logo
પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. 24 નવેમ્બરે દિલ્હીમાં BJP અને શિરોમણી અકાલી દળ (SAD) વચ્ચે ફરીથી ગઠબંધનની સત્તાવાર જાહેરાત થઈ. આ નવા જોડાણ બાદ કોંગ્રેસના મનીષ તિવારી અને AAPના CM ભગવંત માને ભાજપ-અકાલી દળ પર નિશાન સાધ્યું. બંને પક્ષોએ આ ગઠબંધનને સત્તા ભૂખ ગણાવી, ખેડૂતોને જવાબ આપવા માંગ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

BJP-SAD ગઠબંધન પર ઘમાસાણ: AAPએ ગણાવ્યું 'ઠગબંધન', તો કોંગ્રેસે ‘ખેડૂત આંદોલન’ યાદ કરાવી સાધ્યું નિશાન

Congress And AAP On BJP-Shiromani Akali Dal Alliance : પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બની ગયો છે. 24 નવેમ્બર મંગળવારે દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિરોમણી અકાલી દળ (SAD) વચ્ચે ફરીથી ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવા સમીકરણો બાદ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) બંનેએ ભાજપ-અકાલી દળ પર નિશાન સાધ્યું છે.

ખેડૂતોને જવાબ આપવો પડશે: મનીષ તિવારી

ચંદીગઢના કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પંજાબમાં એક ખૂબ મોટું ખેડૂત આંદોલન થયું હતું. કોવિડ મહામારીની પરવા કર્યા વિના પંજાબના લાખો ખેડૂતોએ દિલ્હીની સરહદો પર ધરણા કર્યા હતા, જેના પરિણામે ત્રણેય કાળા કૃષિ કાયદાઓ પરત ખેંચવા પડ્યા હતા. હવે પંજાબના ખેડૂતો ભાજપ અને અકાલી દળને પૂછશે કે એવું તો શું બદલાઈ ગયું કે સત્તાની ભૂખ ખાતર બંને પક્ષો ફરી એકવાર સાથે આવી ગયા છે? તેમણે સ્પષ્ટ કર્યું કે આ ગઠબંધનનો જવાબ કોઈ રાજકીય પક્ષને નહીં, પરંતુ બંને પક્ષોના નેતૃત્વએ પંજાબના ખેડૂતોને આપવો પડશે.

કરતારપુર કોરિડોર અને 1971ના યુદ્ધનો ઉલ્લેખ

કરતારપુર સાહિબ કોરિડોર અંગે ભાજપ અને અકાલી દળ દ્વારા કરાતા દાવાઓ અને કોંગ્રેસ પર લગાવાતા આરોપો પર પ્રતિક્રિયા આપતા મનીષ તિવારીએ કહ્યું કે, જ્યારે આ કોરિડોર અંગે નિર્ણય લેવાયો અને તે ખુલ્લો મૂકાયો, ત્યારે તમામ રાજકીય પક્ષોએ રાજનીતિથી ઉપર ઊઠીને તેનું સ્વાગત કર્યું હતું. તેથી, આ મુદ્દે રાજનીતિ કરવાનું અકાલી દળ અને ભાજપ પાસે કોઈ ઔચિત્ય નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે, જ્યાં સુધી પાકિસ્તાનની વાત છે, તો 1971માં પાકિસ્તાનના બે ટુકડા કરીને બાંગ્લાદેશનું નિર્માણ કરનારી સરકાર પણ કોંગ્રેસની જ હતી.

આ ગઠબંધન નહીં પણ 'ઠગબંધન' : CM ભગવંત માન

બીજી તરફ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ આ ગઠબંધન પર આકરો પ્રહાર કરતા તેને 'ગઠબંધન' નહીં પરંતુ 'ઠગબંધન' ગણાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે આ જોડાણ માત્ર સત્તા મેળવવા માટે જ થયું છે, જ્યારે આમ આદમી પાર્ટીનું ગઠબંધન પંજાબની જનતા સાથે છે. સીએમ માને જણાવ્યું કે તેમની સરકારનું ગઠબંધન એવા ખેડૂતો સાથે છે જેમને સિંચાઈ માટે દિવસના સમયે મફત વીજળી મળી રહી છે, એવા યુવાનો સાથે છે જેમને કોઈ પણ ભલામણ વિના સરકારી નોકરી મળી છે અને એવી માતાઓ-બહેનો સાથે છે જેમને સરકારી યોજના હેઠળ દર મહિને આર્થિક સહાય મળી રહી છે.

22 વર્ષના શાસન પર સવાલ અને સરકારની સિદ્ધિઓ

મુખ્યમંત્રી માને વધુમાં કહ્યું કે, આપનું ગઠબંધન એવા પરિવારો સાથે છે જેમના ઘરે મફત વીજળીને કારણે બિલ શૂન્ય આવે છે, જેઓ મોહલ્લા ક્લિનિકમાં મફત સારવાર મેળવી રહ્યા છે અને જેમના બાળકો 'સ્કૂલ ઓફ એમિનન્સ'માં અભ્યાસ કરી રહ્યા છે. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે વર્ષ 2000થી લઈને સતત 22 વર્ષ સુધી આ જ લોકોએ પંજાબ પર રાજ કર્યું, પરંતુ રાજ્યનું કોઈ ભલું કર્યું નથી.

તમામ 117 બેઠકો પર ચૂંટણી લડશે ભાજપ-અકાલી દળ

ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બરના રોજ દિલ્હીમાં ગઠબંધનની જાહેરાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને 'રાષ્ટ્રીય અને ભાવનાત્મક ગઠબંધન' ગણાવ્યું હતું. તેમણે જાહેરાત કરી હતી કે ભાજપ અને અકાલી દળ પંજાબ વિધાનસભાની તમામ 117 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે અને રાજ્યમાં મુખ્યમંત્રી પદ શિરોમણી અકાલી દળ (SAD) ને મળશે.