મરાઠી વિવાદમાં હિન્દુત્વની એન્ટ્રી: ભાજપ નેતાએ ઠાકરેને ચેલેન્જ આપતા કહ્યું- મુસ્લિમ વિસ્તારમાં જઈને બતાવો
Nitesh Rane On Marathi Language Controversy: મહારાષ્ટ્રમાં હિન્દી-મરાઠી ભાષા મુદ્દે વિવાદ વધી રહ્યો છે. મરાઠી ભાષાનો મોરચો લઈને કેટલાક નેતાઓ-કાર્યકરો તથા અસામાજિક તત્વો મરાઠી ન બોલવા બદલ લોકોની ધોલાઈ કરી રહ્યા હોવાના અનેક બનાવો બની રહ્યા છે. મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરો દ્વારા એક દુકાનદાર પર મરાઠી ભાષા બોલવા દબાણ કર્યું હતું. તેમજ ન બોલવા પર તેની ધોલાઈ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી નિતેશ રાણેએ જણાવ્યું કે, આ ઘટનાના દોષિતોને સજા મળશે. જેમણે પણ હિન્દુઓ પર હાથ ઉગામ્યો છે, તેમની વિરૂદ્ધ અમારી સરકાર કામ કરશે અને સજા અપાવશે. ઠાકરે બ્રધર્સ પર પ્રહાર કરતાં રાણેએ કહ્યું કે, તેમણે ભાષાના નામ પર ગરીબ હિન્દુઓ પર હુમલો કર્યો છે. ઠાકરે બંધુઓને મારો પડકાર છે કે, તેઓ મુસ્લિમો પાસે મરાઠીમાં અજાન પઢાવે. આ પ્રકારની તાકાત બતાવી જ હોય તો તેમણે નલ બજાર, ભિંડી બજાર, મોહમ્મદ અલી રોડ, બમ્બોરામાં જવુ જોઈએ. ત્યાંના લોકો મરાઠીમાં વાત કરતા નથી. તેઓ તો માત્ર ઉર્દૂમાં જ વાત કરે છે.
હિન્દુઓને શા માટે ટાર્ગેટ બનાવો
રાણેએ આગળ કહ્યું કે,મુમરામાં જઈને કોઈ નથી કહેતું કે, મરાઠીમાં વાત કરો. મુમરા પણ આપણા મહારાષ્ટ્રમાં જ છે. શું તે પાકિસ્તાનમાં છે? જાવેદ અખ્તરને પણ કોઈ નથી કહેતું કે, તમે સ્ટેજ પર મરાઠીમાં શાયરી બોલો. ત્યારે બધા ચૂપ રહે છે. તો પછી હિન્દુઓને શા માટે ટાર્ગેટ કરી રહ્યા છે. ગરીબ હિન્દુઓને કેમ માર મારી રહ્યા છો. આવા લોકોને કેમ ખુલ્લા મુકવામાં આવ્યા છે?
મરાઠી સમાજે પણ કર્યો વિરોધ
મહારાષ્ટ્રમાં ભાષા પર થઈ રહેલી રાજનીતિનો મુદ્દો વિવાદાસ્પદ બન્યો છે. મરાઠી સમાજ પણ આ પ્રકારની ઘટનાની નિંદા કરી રહ્યુ હોવાના અહેવાલો મળ્યા છે. આ પ્રકારના લોકો હિન્દુ રાષ્ટ્રને તોડવાનું કામ કરી રહ્યા હોવાનો આરોપો મૂકાયા છે. રાણેએ કહ્યું હતું કે, જે લોકો પોતાને મરાઠીના ટોર્ચ બેયરર્સ જણાવી રહ્યા છે. તે હિન્દુ રાષ્ટ્રને તોડવાનું કામ કરી રહ્યા છે. આ સરકાર હિન્દુઓએ બનાવી છે. હિન્દુત્વની વિચારધારા છે. આથી જો કોઈ આ પ્રકારની હિંમત બતાવશે તો અમારી સરકાર તેને છોડશે નહીં.
આ પણ વાંચોઃ આસ્થા પુનિયા બન્યા ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઈટર પાયલટ, ઉડાવશે ઘાતક લડાકૂ વિમાન
ઉલ્લેખનીય છે, મનસેના અમુક કાર્યકરોએ મરાઠી ન બોલવા પર દુકાનદારને માર માર્યો હતો. જેનો વીડિયો વાઈરલ થતાં અનેક વેપારી સંગઠનોએ વિરોધ દર્શાવ્યો હતો. ગુરૂવારે મીરા રોડ વેપારી સંઘ દ્વારા બંધ પાળવામાં આવ્યું હતું. મીરા રોડ પરની તમામ દુકાનો બંધ રહી હતી.
શિવસેના (UBT)ના પૂર્વ સાંસદે પણ મરાઠી મુદ્દે અત્યાચાર કર્યો
હાલમાં જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં શિવસેના (યુબીટી)ના પૂર્વ સાંસદ રાજન વિચારેએ પોતાની ઓફિસમાં અમુક વેપારીઓને બોલાવ્યા હતા. તેમજ વેપારીઓને મરાઠી જ બોલવા પર ભાર મૂકતાં પોતાના માણસ પાસે માર ખવડાવ્યો હતો.