‘એક સમયે ચીન પર તિબેટનું હતું શાસન’, ભાજપ નેતા મુરલી મનોહર જોશીનો મોટો દાવો

BJP Leader Murali Manohar Joshi On China And Tibet : ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ ‘14માં દલાઈ લામા તેનઝિન ગ્યાત્સોના જીવનચરિત્ર’ પર લખાયેલા હિન્દી પુસ્તક 'અનશ્વર'ના વિમોચન કાર્યક્રમમાં ચોંકાવનારનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, એક સમયે ચીન પર તિબેટનું શાસન હતું. તિબેટ ફરી ઊભું થશે અને પોતાની જમીન પર ફરી હક જમાવશે. 14માં દલાઈ લામાના અહિંસાના શિક્ષણ દ્વારા જ તિબેટનો ફરી ઉદય થશે. તેમણે વિદેશમાં રહેતા તિબેટિયન બૌદ્ધોની ભાવનાઓ અને સંઘર્ષની ખૂબ પ્રશંસા કરી છે.

તિબેટિયન લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કર્યો : મુરલી મનોહર જોશી
પૂર્વ કેન્દ્રીય મંત્રી જોશીએ કહ્યું કે, ‘હું તેબિટેયન બૌદ્ધો અને તિબેટિયન લોકોને નમન કરું છું, કારણ કે તેમણે પોતાના ગુરુ, તેમના આદર્શો અને તેમના નિર્દેશો માટે ઘણું સહન કર્યું અને સ્વિકાર્યું. તેમ છતાં તેઓ ક્યારેય પોતાના સિદ્ધાંતોમાંથી ડગ્યા નથી. ભારતમાં આવીને રહેનારા તિબેટિયન લોકોએ ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે. તેમના સમક્ષ ઘણી બધી ગંભીર પરિસ્થિતિ આવી, જો કોઈ અન્ય સમુદાય હોત તો તેઓ કદાચ બળવો કરતા અથવા જીવતા રહેવા માટે પોતાના મૂલ્યોને સંપૂર્ણ બદલી નાખતા.’
‘તિબેટ ફરી ઊભું થશે અને પોતાની જમીન પર ફરી હક જમાવશે’
તેમણે વધુમાં કહ્યું કે, ‘બૌદ્ધ ધર્મગુરુએ તમામને અહિંસા અને સદભાવનાનો સિદ્ધાંત શિખવાડ્યો છે. તિબેટ ફરી ઊભું થશે અને પોતાની જમીન પર ફરી હક જમાવશે. હું જાણું છું કે, તે દિવસ આવશે.’ જોશીએ દાવો કર્યો છે કે, ‘બહુ ઓછા લોકો જાણે છે કે, તિબેટે જ બૌદ્ધ ધર્મનો ચીન સાથે પરિચય કરાવ્યો હતો. બૌદ્ધ ધર્મ ભારત બાદ ચીન પહોંચ્યો હતો, પરંતુ પહેલા તિબેટિયનોએ જ ચીનમાં બૌદ્ધ ધર્મ પહોંચાડ્યો હતો.’
આ પણ વાંચો : તેજ પ્રતાપની પાર્ટી JJDએ NDAને આપ્યું સમર્થન, બહેન રોહિણીને પણ મોટી ઓફર
એક સમયે ચીન તિબેટનો ભાગ હતું : મુરલી મનોહર જોશી
મુરલી મનોહર જોશીએ દાવો કર્યો છે કે, ‘એક સમય હતો, જ્યારે ચીન પોતે તિબેટની અંદર આવતું હતું. તિબેટિયન વહિવટ હેઠળ જ ચીનનો વિસ્તાર આવતો હતો. સંભવ છે કે, એક દિવસ તિબેટ ચીન પર શાસન કરશે. તેઓ (તિબેટ) તેમને (ચીન) બતાવશે કે, આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ અને ફરી આવી ભૂલ નહીં કરે.’

