ભાજપે સાંસદો માટે જારી કર્યો વ્હિપ, આજે અને આવતીકાલે લોકસભામાં હાજર રહેવા નિર્દેશ
ઘણા મહત્વના બિલ પાસ થવા માટે પેન્ડિંગ છે
રાહુલ ગાંધી અને અદાણી મુદ્દે સંસદની કાર્યવાહી થઈ શકી રહી નથી

image : Wikipedia |
કેન્દ્ર સરકાર અને વિપક્ષ વચ્ચેના હોબાળાને કારણે સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં એક પણ દિવસ કોઈ કામકાજ થઈ શક્યું નથી. ભાજપ લંડનમાં તેમના નિવેદન માટે રાહુલ ગાંધી પાસેથી માફીની માંગ કરી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ અદાણી મુદ્દે જેપીસી તપાસની માંગ પર અડગ છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ મડાગાંઠને સમાપ્ત કરવા માટે બેઠક બોલાવી છે.
ભાજપના સાંસદોને વ્હિપ
બજેટ સત્રના બીજા તબક્કામાં સંસદની કાર્યવાહી એક દિવસ પણ ચાલી શકી ન હતી. આવી સ્થિતિમાં ઘણા મહત્વના બિલ પાસ થવા માટે પેન્ડિંગ છે. તેથી ભાજપે તેના તમામ લોકસભા સાંસદોને આજે અને આવતીકાલે ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો છે.
સંસદ સાતમા દિવસે પણ ઠપ રહી હતી
અગાઉ બજેટ સત્રના સાતમા દિવસે એટલે કે મંગળવારે પણ સંસદનું કામકાજ થઈ શક્યું ન હતું. હોબાળા વચ્ચે લોકસભામાં જમ્મુ-કાશ્મીર માટેનું બજેટ કોઈપણ ચર્ચા વગર પસાર કરવામાં આવ્યું હતું. શાસક પક્ષ અને વિપક્ષ આગળ ન વધવા માટે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે.

