Maharashtra BJP and AIMIM Alliance: મહારાષ્ટ્રના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો રાજકીય ઘટનાક્રમ જોવા મળ્યો છે, જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. અહીં અકોલા જિલ્લાની અકોટ નગર પરિષદમાં ભાજપે વિચારધારાને કોરાણે મૂકતાં સત્તા મેળવવા માટે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન કરી લીધું છે. થાણેના અંબરનાથમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા બાદ ભાજપના આ પગલાંથી શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે ભાજપ, કોંગ્રેસ અને AIMIM ત્રણેય પર આકરા પ્રહાર કર્યાં છે. વળી, અંબરનાથમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવવાના કારણે એકનાથ શિંદેની શિવસેના પણ ભાજપ પર ગુસ્સે છે.
શું છે અકોટનું રાજકીય ગણિત?
અકોટ નગર પરિષદની તાજેતરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર માયા ધુલે મેયર પદે તો ચૂંટાઈ આવ્યા, પરંતુ 35 સભ્યોની નગરપાલિકામાં પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. 33 બેઠકોના પરિણામોમાં ભાજપને માત્ર 11 બેઠકો મળી હતી. બહુમતીના આંકડાથી દૂર હોવાથી ભાજપે સત્તા હાંસલ કરવા માટે ‘અકોટ વિકાસ મંચ’ નામના એક નવા ગઠબંધનની રચના કરી.
આશ્ચર્યજનક વાત એ છે કે, અકોટ નગર પરિષદમાં 5 બેઠકો જીતીને બીજી સૌથી મોટી પાર્ટી બનેલી AIMIM ભાજપની સાથીદાર બની ગઈ છે. આ મંચમાં શિંદે જૂથની શિવસેના, અજિત પવારની NCP, શરદ પવારની NCP તેમજ બચ્ચુ કડુની પ્રહાર જનશક્તિ પાર્ટી પણ સામેલ છે. આ નવા ગઠબંધનની અકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ સત્તાવાર રીતે નોંધણી પણ કરાવી દેવાઈ છે.
આ સમીકરણો બાદ, ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન પાસે કુલ 25 સભ્યોનું સમર્થન છે, જ્યારે કોંગ્રેસના 6 અને વંચિત બહુજન અઘાડીની 2 બેઠકના ઉમેદવારે વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે.
AIMIMના નેતાએ હાથ ખંખેર્યાં
AIMIMના વરિષ્ઠ નેતા અને સાંસદ ઈમ્તિયાઝ જલીલે આ ગઠબંધનથી અજાણ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘મને આ વાતની જાણકારી નથી. મેં મારા સ્થાનિક નેતાઓ પાસેથી આ અંગે પૂછ્યું છે. ભાજપ સાથે કોઈપણ કિંમતે કોઈ ગઠબંધન નહીં થાય. જો અમારા નેતાઓએ આવી કોઈ વાત કરી હશે, તો તેમની સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે.’
સંજય રાઉતના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર
આ મુદ્દે શિવસેના(ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, 'ભાજપ અંબરનાથમાં કોંગ્રેસ સાથે છે અને અકોટમાં AIMIMને સમર્થન આપી રહી છે. આ એ જ ભાજપ છે જે કોંગ્રેસ-મુક્ત ભારતની વાતો કરતી હતી, પરંતુ આજે પોતે કોંગ્રેસ અને ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કરી રહી છે.'
આ પણ વાંચો: કોંગ્રેસના સિનિયર નેતાની મસ્જિદ બહાર કરાઈ હત્યા, હુમલાખોરે ચપ્પાના અનેક ઘા ઝીંક્યા
આ ઉપરાંત તેમણે AIMIM અને ભાજપને ‘બેમુખા અળસિયા’ ગણાવતા કહ્યું કે, 'સમગ્ર મહારાષ્ટ્રમાં ક્યાંક ખુલ્લી તો ક્યાંક છૂપી યુતિ ચાલી રહી છે.' તો કોંગ્રેસ સામે સવાલ ઉઠાવતા સંજય રાઉતે કહ્યું કે, 'ભાજપનું આ વલણ આશ્ચર્યજનક છે અને જનતા બધું જોઈ રહી છે. આ ગઠબંધનોએ સ્પષ્ટ કરી દીધું છે કે સત્તા માટે વૈચારિક મતભેદોને પણ નેવે મૂકાઈ રહ્યા છે. આ મુદ્દો આગામી દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણને વધુ ગરમાવશે તે નિશ્ચિત છે.'


