Congress-BJP Alliance in Ambernath: મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારે શું વળાંક આવશે તે કહેવું મુશ્કેલ છે. 'કોંગ્રેસ મુક્ત ભારત'નો નારો આપનાર ભાજપે થાણેના અંબરનાથ નગર પરિષદ (મ્યુનિસિપલ કાઉન્સિલ)માં શિવસેના(એકનાથ શિંદે જૂથ)ને સત્તાથી દૂર રાખવા માટે વિપક્ષે કોંગ્રેસ સાથે હાથ મિલાવી સૌને ચોંકાવી દીધા છે. આ ગઠબંધનમાં અજિત પવારની એનસીપી પણ સામેલ છે, જેના કારણે હવે એકનાથ શિંદેને તેમના ગઢમાં જ વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે.
શું છે આખું ગણિત?
અંબરનાથ નગર પરિષદમાં સત્તા મેળવવા માટે ભાજપે એક અણધારી વ્યૂહરચના અપનાવી છે. વાત એમ છે કે, અહીં ભાજપ (14 બેઠક), કોંગ્રેસ (12 બેઠક) અને અજિત પવારની એનસીપી (4 બેઠક) એ મળીને 'અંબરનાથ વિકાસ અઘાડી'ની રચના કરી છે. આ 32 સભ્યોની બહુમતી સાથે ભાજપના તેજશ્રી કરંજુલેએ મેયર પદ પર વિજય મેળવ્યો છે.
મહારાષ્ટ્રની મહાયુતિમાં ભંગાણની શક્યતા
મહારાષ્ટ્રની સરકાર ભલે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સાથે મળીને 'મહાયુતિ' ચલાવી રહ્યા હોય, પરંતુ સ્થાનિક સ્તરે ચિત્ર કંઈક અલગ જ છે. અંબરનાથ નગર પરિષદમાં ભાજપે શિવસેનાને સત્તાથી બહાર રાખવા માટે જે ખેલ પાડ્યો છે, તેનાથી ગઠબંધનમાં ગમે ત્યારે ભંગાણ સર્જાઈ શકે છે.
મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીઓ પહેલા અંબરનાથનો આ કિસ્સો મહાયુતિ માટે ચિંતાનો વિષય છે. એક તરફ રાજ્ય સ્તરે નેતાઓ એકતાની વાતો કરે છે, તો બીજી તરફ નગર પાલિકામાં ભાજપે કોંગ્રેસ સાથે હાથ મિલાવીને શિંદે જૂથને વિપક્ષમાં બેસવા મજબૂર કરી દીધું છે. આ ઘટના બાદ હવે શિંદે છાવણીમાં ભાજપ પ્રત્યે ભારે અવિશ્વાસ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના અકોટમાં ભાજપનું ઓવૈસીના AIMIM સાથે ગઠબંધન, સત્તા માટે વિચારધારાના ધજિયા
પીઠમાં છરો ભોંક્યોઃ શિંદે જૂથનો આક્રોશ
આ ગઠબંધનથી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં સખત રોષ જોવા મળી રહ્યો છે. શિંદે જૂથના ધારાસભ્ય ડૉ. બાલાજી કિનીકરે આ જોડાણને 'અભદ્ર યુતિ' ગણાવતા કહ્યું કે, ‘જે પક્ષ રાત-દિવસ 'કોંગ્રેસ મુક્ત ભારત'નો નારો લગાવતો હતો, તે આજે સત્તાની લાલચમાં કોંગ્રેસના ખોળામાં જઈને બેસી ગયો છે. આ શિવસેનાની પીઠમાં છરો ભોંકવા સિવાય બીજું કંઈ જ નથી. ગઠબંધનના ધર્મનું અહીં સરેઆમ અપમાન થયું છે.’
ભાજપે શિંદેની શિવસેના પર જ ઠીકરું ફોડ્યું
આ અંગે ભાજપના ગુલાબરાવ કરંજુલેએ વળતો પ્રહાર કરતાં જણાવ્યું કે, ‘શિંદે જૂથ છેલ્લા 25 વર્ષથી ભ્રષ્ટાચારમાં લિપ્ત હતું અને વારંવાર ચર્ચા કરવા છતાં તેઓ કોઈ પ્રતિસાદ આપતા નહોતા, તેથી આ નિર્ણય લેવો પડ્યો. અમે ગઠબંધન માટે તૈયાર હતા. અમે અંબરનાથ નગર પરિષદમાં સાથે મળીને સત્તા હાંસલ કરવા શિંદે જૂથના નેતાઓ સાથે અનેકવાર ચર્ચાના પ્રયાસો કર્યા, પરંતુ તેઓ તરફથી કોઈ જ સકારાત્મક પ્રતિસાદ ના મળ્યો. સત્તાના સમીકરણો જાળવી રાખવા માટે આખરે આ રસ્તો અપનાવવો પડ્યો છે.’
ભાજપે જવાબ આપવો પડશેઃ શ્રીકાંત શિંદે
એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેએ આ મામલે માર્મિક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘અંબરનાથમાં ભાજપ અને કોંગ્રેસે કેમ હાથ મિલાવ્યા, તેનો જવાબ ભાજપના નેતાઓએ જ આપવો જોઈએ. વર્ષોથી ભાજપ-શિવસેનાનું ગઠબંધન અતૂટ રહ્યું છે. ભાજપના નેતાઓ જેમની સામે લડ્યા, હવે સત્તામાં તેમની સાથે જ બેસી ગયા છે. અમે હંમેશા વિકાસની રાજનીતિ કરી છે અને આગળ પણ કરતા રહીશું.’
નોંધનીય છે કે, આ ઘટનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. લોકોનું કહેવું છે કે, આ પ્રકારની ચાણક્ય નીતિના કારણે ભાજપે ભવિષ્યમાં કેવા પરિણામ ભોગવવા પડશે, એ તો સમય જ કહેશે.



