ભાજપ સર્વધર્મ સમભાવને માને છે, કોઈ પણ ધર્મનુ અપમાન સ્વીકાર્ય નથી
- નૂપુર શર્માની ટિપ્પણી મુદ્દે વિવાદ વચ્ચે BJPનુ નિવેદન
નવી દિલ્હી, તા. 05 જૂન 2022 રવિવાર
ભાજપે કહ્યુ કે ભારતની હજારો વર્ષોની યાત્રામાં કેટલાય ધર્મોનો જન્મ અને વિકાસ થયો છે તેમજ ભાજપ કોઈ પણ ધર્મના પૂજનીયોનુ અપમાન સ્વીકાર કરતી નથી. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહ તરફથી જારી એક નિવેદનમાં પાર્ટીએ કહ્યુ કે ભારતની હજારો વર્ષોની યાત્રામાં દરેક ધર્મ પલ્લવિત અને પુષ્પિત થયા છે.
ભાજપનુ આ નિવેદન પાર્ટી પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા એક ટીવી ડિબેટમાં પયગંબર મહંમદને મુદ્દે કરવામાં આવેલી ટિપ્પણી બાદ સામે આવ્યુ છે. પાર્ટીએ આ ટિપ્પણીથી પેદા થયેલા વિવાદને ખતમ કરવા માટે આ નિવેદન જારી કર્યુ છે.
આ નિવેદનમાં ભાજપે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીને એવો કોઈ પણ વિચાર સ્વીકૃત નથી જે કોઈ પણ ધર્મ-સંપ્રદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે. ભાજપ આવા વિચારને માનતી નથી અને ના પ્રોત્સાહન આપે છે. આમાં ભાજપે કહ્યુ કે દેશના બંધારણની પણ ભારતના દરેક નાગરિકને તમામ ધર્મોનુ સન્માન કરવાની અપેક્ષા છે.
ભાજપે કહ્યુ કે આઝાદીના 75માં વર્ષમાં, આ અમૃતકાળમાં એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના નિરંતર મજબૂત કરતા આપણે દેશની એકતા, અખંડતા અને દેશના વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની છે.
તાજેતરમાં જ ભાજપ નેતા નૂપુર શર્માએ એક ટીવી ડિબેટમાં એક એવી ટિપ્પણી કરી હતી જેને લઈને વિવાદ થઈ ગયો હતો. આ વિવાદ સોશ્યલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર પણ જોવા મળ્યો. કાનપુરમાં નૂપુર શર્માના આ નિવેદનને લઈને મુસ્લિમ સમુદાયના વિરોધ દરમિયાન હોબાળો થયો હતો. આ સિવાય કેટલાય મુસ્લિમ ધર્મગુરુઓએ નૂપુર શર્માના આ નિવેદનનો વિરોધ કર્યો હતો અને આના વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.
આ સિવાય સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ નૂપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. આ સિવાય અત્યારે તાજેતરમાં જ સંઘ પ્રમુખ મોહન ભાગવતે એક નિવેદન આપ્યુ હતુ જેનાથી RSS તરફથી આઉટરિચ સ્ટેપ કહેવામા આવ્યુ હતુ. મોહન ભાગવતે કહ્યુ હતુ કે આપણે દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની જરૂર નથી. જે બાદ ભાજપે આ નિવેદન જારી કર્યુ છે.