ચૂંટણી પંચના આ નિર્ણય સામે કોંગ્રેસ-RJD જ નહીં ભાજપનો સાથી પક્ષ પણ નારાજ, પૂછ્યા આકરા સવાલ
Special Intensive Revision Controversy : બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સ્પેશ્યલ ઈન્ટેસિવ રિવિઝન (SIR) એટલે કે મતદાર યાદીની સંપૂર્ણ તપાસ અને અપડેટની કામગીરીનો વિપક્ષો ભારે વિરોધ કરી રહ્યા છે, ત્યારે NDAના સાથી પક્ષે પણ આ મામલે વાંધો ઉઠાવ્યો છે. ભાજપના સાથી પક્ષ તેલુગુ દેશમ્ પાર્ટી (TDP)એ કહ્યું છે કે, ‘SIRને નાગરિકોના વેરિફિકેશનનો આધાર ન બનાવવો જોઈએ, તેને નાગરિકોના વેરિફિકેશનથી અલગ રાખવું જોઈએ. આ મામલે ટીડીપી સાંસદ કૃષ્ણ દેવરાયલુએ ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો છે.
ટીડીપીએ SIRથી વાંધો ઉઠાવી ચૂંટણી પંચને લખ્યો પત્ર
ટીડીપીએ ચૂંટણી પંચને પત્ર લખીને SIR મામલે વાંધો વ્યક્ત કરવાની સાથે સૂચન પણ આપ્યું છે. ટીડીપીના સાંસદે કહ્યું છે કે, ‘કોઈપણ રાજ્યના મતદારોને વેરિફિકેશન માટે ન કહેવું જોઈએ. વેરિફિકેશનની જવાબદારી મતદારોની નહીં, પરંતુ ચૂંટણી પંચના અધિકારીઓની હોવી જોઈએ. મતદાર યાદીમાં નામ નોંધવા અને કમી કરવા માટે ઘરે-ઘેર ચાલી રહેલા સર્વેક્ષણમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ (બૂથ લેવલ એજન્ટ)ને સામેલ કરવા જોઈએ.’
ટીડીપી સાંસદે એમ પણ કહ્યું કે, ‘જો આંધ્રપ્રદેશમાં 2029ની ચૂંટણીમાં એસઆઈઆર શરૂ કરવાની જરૂરીયાત હોય તો તે તાત્કાલીક કરવું જોઈએ, જેથી મતદારોને જરૂરી સમય મળી રહે. ચૂંટણી પહેલાના છ મહિનામાં મતદાર યાદીની ઊંડાણપૂર્વ ચકાસણી કરવી યોગ્ય નથી. બિહારમાં ચાલી રહેલી ‘મતદારોની યાદીના પુનઃનિરીક્ષણ પ્રક્રિયા’ અભિયાનને નાગરિકોનું વેરિફિકેશન સમજવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોમાં ડર ફેલાયો છે. તેથી ચૂંટણી અને એસઆઈઆર શરૂ કરવા વચ્ચે લાંબો સમય હોવો જોઈએ.’
આ પણ વાંચો : રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો
બિહારમાં SIR પર બબાલ
બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Assembly elections 2025) પહેલા સ્પેશ્યલ ઈન્ટેસિવ રિવિઝન (SIR) મામલે રાજકીય ખળભળાટ મચેલો છે. રાજ્યમાં ચૂંટણી પહેલા SIR કામગીરી શરૂ કરાતા વિવાદ ઉભો થયો છે. રાજ્યમાં વર્ષ 2003 બાદ પ્રથમવાર આટલા મોટાપ્રમાણમાં આ પ્રક્રિયા શરૂ થઈ રહી છે. તમામ વિપક્ષોનું કહેવું છે કે, એસઆઈઆર એક ષડયંત્ર છે, તેનો ઉદ્દેશ્ય ગરીબ, દલિત, પછાત વર્ગો અને લઘુમતીઓનો મત આપવાનો અધિકાર છિનવવાનો છે. વિપક્ષોએ એવું પણ કહ્યું છે કે, NRCને અપ્રત્યક્ષ રૂપે લાગુ કરવા માટે એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરાઈ છે, કારણ કે તેમાં નાગરિકતા સાબિત કરવા માટે પૂરાવા મંગાઈ રહ્યા છે. એસઆઈઆર હેઠળ બિહારમાં આઠ કરોડ મતદારોએ પોતાની ઓળખ અને સરનામાનું વેરિફિકેશન કરાવવું પડશે. 2003 બાદ જન્મેલા મતદારોએ પોતાના માતા-પિતાનું જન્મ પ્રમાણપત્ર જેવા વધારાના પુરાવા જમા કરાવવાના છે.