બિહારને ચૂંટણી પહેલા લ્હાણી: કેન્દ્ર સરકારની 4 લેન હાઇવે અને ડબલ ટ્રેક રેલ લાઇનની મંજૂરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image Source: Twitter
Union Cabinet Meeting: ચૂંટણી પહેલા મોદી સરકારે બિહારને લ્હાણી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બિહાર અને પાડોશી રાજ્યોમાં કનેક્ટિવિટી અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે 7,616 કરોડ રૂપિયાના બે મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ મંજૂરીઓ સાથે જ મોદી સરકાર બિહારને અત્યાર સુધીમાં 11 લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી ચૂકી છે.
મોકામાથી મુંગેર સુધી 4 લેન હાઇવેને મંજૂરી
મોદી કેબિનેટની બેઠકમાંલેવાયેલા નિર્ણયોની બ્રીફિંગ કરતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, 3,169 કરોડ રૂપિયાના ખર્ચે ભાગલપુર-દુમકા-રામપુરહાટ ડબલ ટ્રેક રેલ લાઇનને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત 4,447 કરોડ રૂપિયાના ખર્ચથી બક્સર-ભાગલપુર હાઇ-સ્પીડ કોરિડોરના ફોર-લેનને મોકામા-મુંગેર ખંડના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, 'આ બક્સરથી ભાગલપુર કોરિડોરનો એક ખંડ છે. તેનું રોકાણ રૂ. 4,447 કરોડનું હશે. આ દક્ષિણ બિહારનો એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. મોકામાથી મુંગેર સુધી તેની લંબાઈ 82 કિલોમીટર છે. આ પ્રોજેક્ટના કારણે લગભગ 1 કલાકનો સમય બચશે.'
ભાગલપુરથી રામપુરહાટ ડબલ ટ્રેકનું એલાન
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, 'કેબિનેટે ભાગલપુર-દુમકા-રામપુરહાટ ડબલ ટ્રેક રેલ લાઇન સેક્શન(177 કિમી)ને મંજૂરી આપી છે, જેનો કુલ ખર્ચ 3,169 કરોડ રૂપિયા છે. આ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળને જોડતો એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે.'
અશ્વિની વૈષ્ણવે આગળ કહ્યું કે, 'આઝાદી પછી રેલવે કાર્ગો સતત ઘટી રહ્યો હતો. 27 ટકાના નીચા સ્તરે પહોંચ્યા પછી હવે તેમાં વધારો થવા લાગ્યો છે. હવે મોડલ શેર લગભગ 29 ટકા સુધી પહોંચી ગયો છે. વડાપ્રધાનના ત્રીજા કાર્યકાળમાં મંજૂર કરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની કુલ સંખ્યા લગભગ 11 લાખ કરોડ રૂપિયા છે, જે એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન છે. આનાથી રોજગાર વધી રહ્યો છે અને લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે.'
આ પણ વાંચો: નેપાળ હિંસા પર ચીનનું મોટું નિવેદન, ત્રીજા દિવસે વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા
બિહારમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલાં આવી જાહેરાતો અંગે એક ન્યૂઝ ચેનલ દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ 12થી વધુ પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન આપ્યું અને જણાવ્યું કે જે રાજ્યોમાં ચૂંટણી નથી ત્યાં પણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.









