નેપાળ હિંસા પર ચીનનું મોટું નિવેદન, ત્રીજા દિવસે વિદેશ મંત્રાલયે આપી પ્રતિક્રિયા
China Statement On Nepal Unrest: નેપાળમાં સરકારના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે ફાટી નીકળેલા ‘Gen Z’ આંદોલને હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. સ્થિતિ બેકાબુ થતાં વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. જો કે, વડાપ્રધાનના રાજીનામા બાદ પણ સ્થિતિ શાંત નથી થઈ. હવે નેપાળમાં સત્તાપલટો થવા પર પહેલી વાર ચીનનું નિવેદન સામે આવ્યું છે. બુધવારે ચીને નેપાળના તમામ પક્ષોને ઘરેલુ મુદ્દાઓને યોગ્ય રીતે હલ કરવા અને સામાજિક વ્યવસ્થા અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા આગ્રહ કર્યો છે.
નેપાળમાં સત્તાપલટો થવા પર ચીનની પહેલી પ્રતિક્રિયા
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને એક મીડિયા બ્રીફિંગમાં નેપાળની તાજેતરની સ્થિતિ પર પહેલી વાર ટિપ્પણી કરતાં કહ્યું કે, 'ચીન અને નેપાળ વચ્ચે પરંપરાગત રીતે મૈત્રીપૂર્ણ પાડોશી સંબંધો રહ્યા છે. અમને આશા છે કે, નેપાળના તમામ પક્ષો ઘરેલુ મુદ્દાઓને યોગ્ય રીતે સંભાળશે, સામાજિક વ્યવસ્થા અને પ્રાદેશિક સ્થિરતા શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરશે.'
નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે ફાટી નીકળેલા ‘Gen Z’ આંદોલનના કારણે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દેવું પડ્યું છે અને સરકાર પડી ભાંગી છે, પરંતુ લિન જિયાને ઓલીના રાજીનામા પર કોઈ ટિપ્પણી નથી કરી. ઓલીને ચીન સમર્થક નેતા માનવામાં આવે છે. તેમણે ચીન સાથે નેપાળના વ્યૂહાત્મક સંબંધોને ગાઢ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ઓલી તાજેતરમાં જ શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે ચીનના પ્રવાસે ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે બીજા વિશ્વયુદ્ધમાં જાપાન પર વિજયની યાદમાં 3 સપ્ટેમ્બરના રોજ આયોજિત ચીની લશ્કરી પરેડમાં પણ ભાગ લીધો હતો.
Gen Z આંદોલન
ઓલી ચીનથી પરત ફર્યાના થોડા જ દિવસો બાદ નેપાળમાં યુવાનોએ ભ્રષ્ટાચાર, અસમાનતા, બેરોજગારી જેવા મુદ્દા સામે વિરોધ પ્રદર્શન શરુ કરી દીધું. બીજી તરફ ઓલી સરકારના તાજેતરના 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયે આગમાં ઘી હોમવાનું કામ કર્યું અને આંદોલન ભડકી ઉઠ્યું.
હિંસક આંદોલનને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન ઓલી સહિત તમામ મોટા મંત્રીઓએ રાજીનામું ધરી દેવું પડ્યું છે. મંગળવારે જ્યારે પ્રદર્શનકારીઓએ નેપાળના સંસદ ભવનમાં આગ ચાંપી દીધી ત્યારે ઓલીનું રાજીનામું સામે આવ્યું હતું.
નેપાળમાં ચીની નાગરિકોની સુરક્ષા અંગે પ્રવક્તાએ શું કહ્યું?
નેપાળમાં ચીની નાગરિકોની સુરક્ષા અંગે લિને કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. ચીને નેપાળમાં રહેતા પોતાના નાગરિકોને તેમની સુરક્ષાનું ધ્યાન રાખવા વિનંતી કરી છે. નેપાળ સ્થિત ચીની દૂતાવાસે એક ઈમરજન્સી સિક્યોરિટી સિસ્ટમ શરુ કરી છે અને નેપાળને ચીની નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે.
આ પણ વાંચો: PHOTOS : Gen-Zએ આગચાંપીને 3600 કરોડમાં બનેલી નેપાળની સંસદના જુઓ કેવા હાલ કર્યા
તેમણે આગળ કહ્યું કે, 'ચીની સંસ્થાઓ અને નાગરિકોને સ્થિતિ પર નજર રાખવા, સુરક્ષા માટે ગંભીર પગલા ઉઠાવવા અને કામ વિના બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. ઈમરજન્સીની સ્થિતિમાં ચીની નાગરિકો નેપાળમાં ચીની દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.