Get The App

જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજની ધરપકડ, સગીરાનું જાતીય શોષણ કરવાનો આરોપ

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજની ધરપકડ, સગીરાનું જાતીય શોષણ કરવાનો આરોપ 1 - image


Bihar News: બિહારના મિથિલાંચલ વિસ્તારમાં જાણીતા કથાવાચક શ્રવણદાસ મહારાજ ઉર્ફે શ્રવણ ઠાકુરની એક સગીરા પર જાતીય શોષણ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર જગાવી છે. પીડિતાએ લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી શોષણ કર્યાનો અને ગર્ભપાત માટે દબાણ કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

SIT દ્વારા શ્રવણદાસ ધરપકડ: ગુરુ મૌની બાબા ફરાર

દરભંગાના એસએસપી જગુનાથ રેડ્ડીએ આ મામલે પૃષ્ટિ કરતા જણાવ્યું હતું કે, 'એસડીપીઓ રાજીવ કુમારની આગેવાની હેઠળની એસઆઈટી (SIT)એ બાતમીના આધારે હાઉસિંગ બોર્ડ કોલોનીમાંથી શ્રવણદાસની ધરપકડ કરી છે. આ કેસમાં કથાકારના ગુરુ મૌની બાબાની ભૂમિકા પણ શંકાસ્પદ જણાતા તેમની સામે તપાસ શરૂ કરાઈ છે, જોકે હાલ તેઓ ફરાર છે.'

આ પણ વાંચો: ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ કમાય

પીડિતાની માતાએ નોંધાવી ફરિયાદ

પીડિતાની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, શ્રવણદાસે સગીરાને લગ્નનું વચન આપી છેલ્લા એક વર્ષથી તેનું જાતીય શોષણ કર્યું હતું. પીડિતાનો એવો પણ આરોપ છે કે જ્યારે તે ગર્ભવતી થઈ, ત્યારે તેના પર ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું હતું. આરોપી શ્રવણ ઠાકુર મૂળ પર્રી ગામનો છે અને હાલ પચડી છાવણીના રામ જાનકી મંદિરમાં રહીને કથાવાચનનું કાર્ય કરતો હતો.

પોલીસે પીડિતાનું મેડિકલ ચેકઅપ અને નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. એસએસપીએ ખાતરી આપી છે કે કાયદાકીય પ્રક્રિયા કડક રીતે અમલમાં મૂકાશે અને ફરાર મૌની બાબાને પણ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે.

ધર્મગુરુઓના કલંકિત ઈતિહાસનું પુનરાવર્તન

શ્રવણદાસ મહારાજ પરના આ આરોપોએ ફરી એકવાર દેશમાં ધર્મની આડમાં ચાલતા કાળા કારનામાઓની યાદ તાજી કરી છે. અગાઉ આસારામ બાપુ, ગુરમીત રામ રહીમ અને ફલાહારી બાબા જેવા અનેક કહેવાતા ધર્મગુરુઓ જાતીય શોષણના કેસમાં જેલના સળિયા ગણી રહ્યા છે.