Indore Millionaire Beggar: મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સૌને ચોંકાવી દીધા છે. વર્ષોથી લાકડાની સ્લાઇડિંગ ગાડી પર બેસીને લાચાર બની ભીખ માંગતો એક દિવ્યાંગ ભિખારી વાસ્તવમાં લાખો-કરોડોની સંપત્તિનો માલિક નીકળ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની રેસ્ક્યુ ટીમે જ્યારે આ ભિખારીની તપાસ કરી ત્યારે તેની પાસે ત્રણ પાકાં મકાન, ત્રણ રિક્ષા અને એક ડિઝાયર કાર હોવાનું બહાર આવ્યું છે.
કોણ છે આ 'ધનકુબેર' ભિખારી?
આ ભિખારીનું નામ માંગીલાલ છે. ઇન્દોરના પ્રખ્યાત સરાફા બજારમાં આવતા-જતા લોકો માટે માંગીલાલ એક જાણીતો ચહેરો હતો. પીઠ પર થેલો લટકાવી, હાથમાં જૂતા પહેરીને જમીન પર ઘસડાઈને ચાલતા માંગીલાલને જોઈને કોઈપણનું હૃદય પીગળી જતું. તે કોઈની પાસે જબરદસ્તી પૈસા માંગતો નહોતો, પરંતુ તેની લાચારી જોઈ લોકો સામે ચાલીને તેને દાન આપતા હતા.
તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં માંગીલાલની સંપત્તિના જે આંકડા સામે આવ્યા છે તે ખરેખર આંખો ફાડી દે તેવા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેની પાસે કુલ ત્રણ પાકાં મકાન છે, જેમાં ભગત સિંહ નગરમાં 16*45 ફૂટનું ત્રણ માળનું ભવ્ય મકાન, શિવનગર વિસ્તારમાં આશરે 600 સ્ક્વેર ફૂટનું બીજું મકાન અને અલવાસ વિસ્તારમાં 1 BHK મકાનનો સમાવેશ થાય છે. માત્ર સ્થાવર મિલકત જ નહીં, પણ માંગીલાલ પાસે વાહનોનો કાફલો પણ છે; તેની પાસે ત્રણ રિક્ષા અને એક સ્વિફ્ટ ડિઝાયર કાર છે, જે તે મુસાફરી માટે ભાડે ચલાવીને વધારાની આવક મેળવે છે.
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ : સાતનાં મોત, 100થી વધુ ટ્રેનો મોડી પડી
આ સિવાય, તે વ્યાજવટાવનો ધંધો પણ કરતો હોવાનું બહાર આવ્યું છે. તેણે કબૂલાત કરી હતી કે તે દરરોજ સરાફા બજારમાં માત્ર ભીખ માંગવા જ નહીં, પરંતુ વેપારીઓને વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરવા માટે પણ જતો હતો, જેનાથી તેની દૈનિક કમાણી 400થી 500 રૂપિયા સુધી પહોંચી જતી હતી.
સરકારે ઘર આપ્યું છતાં ભીખ માંગવાનું ચાલુ રાખ્યું
નવાઈની વાત એ છે કે પ્રશાસને અગાઉ માંગીલાલની દિવ્યાંગતા જોઈને તેને રેડ ક્રોસ સોસાયટીની મદદથી 1 BHK મકાન ફાળવ્યું હતું. તે આશ્રમમાં પણ રહી ચૂક્યો હતો. આમ છતાં, વધુ કમાણી કરવાની લાલચે તેણે ભીખ માંગવાનું ચાલુ રાખ્યું હતું.
તંત્રની કડક કાર્યવાહી
રેસ્ક્યુ ટીમના નોડલ ઓફિસર દિનેશ મિશ્રાએ જણાવ્યું કે, લાંબા સમયથી માંગીલાલ વિરુદ્ધ ફરિયાદો મળી રહી હતી. તેની જીવનશૈલી શંકાસ્પદ જણાતી હતી. જિલ્લા કાર્યક્રમ અધિકારી રજનીશ સિંહાએ સ્પષ્ટ કર્યું છે કે, ભિક્ષાવૃત્તિ નાબૂદ કરવા માટેનું અભિયાન ચાલુ રહેશે. સંપત્તિ હોવા છતાં ખોટી લાચારી બતાવી ભીખ માંગવી એ ગુનો છે અને તેનાથી સાચા જરૂરિયાતમંદોને અન્યાય થાય છે.



