NDA માં હજુ સીટ વહેંચણી ફાઈનલ નહીં? બિહારના કદાવર નેતાના નિવેદને ટેન્શન વધાર્યું

Bihar Election: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 મુદ્દે એનડીએમાં બેઠક ફાળવણીની ફોર્મ્યુલા હજી જાહેર થઈ નથી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પોતાના ઉમેદવાર લગભગ ફાઈનલ કરી દીધા છે. આજે શનિવારે સાંજે તે ઉમેદવારોના નામ જાહેર કરવાની હોવાના અહેવાલ છે. પરંતુ તેના સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ આજે સવારે એક સોશિયલ મીડિયા પોસ્ટ મારફત ખળભળાટ મચાવ્યો છે. તેમણે કહ્યું કે, બેઠક મુદ્દે હજી ચર્ચા પૂરી થઈ નથી.
આરએલએમ ચીફની આ પોસ્ટથી સંકેત મળી રહ્યા છે કે, એનડીએમાં હજી પણ બેઠક ફાળવણી મુદ્દે મડાગાંઠ છે. ઉપેન્દ્ર કુશવાહાએ શનિવારે X પર પોસ્ટ કરી હતી કે, 'અફવાઓ પર ધ્યાન ન આપો, હજી ચર્ચા પૂરી થઈ નથી. રાહ જુઓ! મીડિયામાં જે સમાચાર ચાલી રહ્યા છે, તેની મને ખબર નથી. જો કોઈ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે, તો તે છેતરપિંડી છે. તમે લોકો તેનાથી સજાગ રહો.'
ભાજપે કરી હતી જાહેરાત
ભાજપના બિહાર અધ્યક્ષ દિલીપ જયસ્વાલે શુક્રવારે રાત્રે પટના સ્થિત પાર્ટીની ઓફિસમાં મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે બેઠકની ફોર્મ્યુલા નિશ્ચિત થઈ ચૂકી છે. શનિવારે દિલ્હીમાં પ્રદેશ ભાજપની કોર ગ્રૂપની બેઠક છે, ત્યારબાદ સાંજે દિલ્હી કે પટનામાંથી સીટ શેયરિંગ ફોર્મ્યુલાની જાહેરાત કરીશું.
મીડિયા સૂત્રોએ જણાવ્યા અનુસાર, એનડીએમાં અત્યારસુધી વાતચીતનો એ નિષ્કર્ષ આવ્યો છે કે, ભાજપ અને જેડીયુ સાથે મળી 200થી 203 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે અન્ય ત્રણ સહયોગી પક્ષ બાકીની 40-42 બેઠક પર ઉમેદવારી નોંધાવશે. ચિરાગ પાસવાનની લોજપા (રામ વિલાસ)ને 26, જિતનરામ માંઝીની હિન્દુસ્તાન આવામ મોરચાને 8, અને ઉપેન્દ્ર કુશવાહાની આરએલએમને છ બેઠક મળી શકે છે.

