બિહારના મંત્રી નીતિન નબિન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખપદે નિયુક્ત

- ભાજપમાં 45 વર્ષના નેતાની નિમણૂક સંગઠનમાં પેઢીગત પરિવર્તનના સંકેત
- નીતિન નબિન ૧૨મું ભણેલા છે, તેમની સામે પાંચ કેસ છે અને તેમના નામે સંપત્તિ નથી
- લોકસભામાં કેન્દ્રીય મંત્રી અને સાત વખત સાંસદ બનનારા પંકજ ચૌધરીની ઉત્તર પ્રદેશમાં ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક
નવી દિલ્હી: ભાજપ સંસદીય બોર્ડે રવિવારે બિહાર સરકારમાં કેન્દ્રીય મંત્રી નીતિન નબિનની રવિવારે પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે પસંદગી કરીને વધુ એક વખત બધાને ચોંકાવી દીધા છે. નીતિન નબિન જેપી નડ્ડાનું સ્થાન લે તેવી શક્યતા છે. બીજીબાજુ કેન્દ્ર સરકારમાં મંત્રી અને લોકસભા સાંસદ પંકજ ચૌધરીની ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. કુર્મી નેતા પંકજ ચૌધરીની પસંદગી કરીને ભાજપે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં કુર્મી મતબેન્ક પર નજર હોવાના સંકેત આપ્યા છે.
નીતિન નબિનની ભાજપ યુવા મોરચાથી લઈને બિહારમાં મંત્રી, છત્તીસગઢમાં ઈન્ચાર્જની ભૂમિકા મહત્વપૂર્ણ રહી
ભાજપમાં લાંબા સમયથી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના સ્થાને સંગઠનમાં નવા પ્રમુખની નિમણૂક વિલંબમાં મુકાતી રહી છે. જોકે, આખરે રવિવારે ભાજપે નવા પક્ષપ્રમુખની નિમણૂકનો માર્ગ મોકળો કરી દીધો છે. ભાજપના સંસદીય બોર્ડે બિહાર કેબિનેટના મંત્રી અને બાંકીપુરથી પાંચ વખત ધારાસભ્ય બનનારા ૪૫ વર્ષના નિતિન નવીનની કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરી છે, જેઓ આગામી સમયમાં પ્રમુખ જેપી નડ્ડાનું સ્થાન લઈ શકે છે. નીતિન નબિનની નિમણૂક કરીને ભાજપે પક્ષના સંગઠન માળખામાં પેઢીગત પરિવર્તનના સંકેત આપ્યા છે.
નીતિન નબિન ભાજપના દિવંગત નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય નબિન કિશોર પ્રસાદ સિંહાના પુત્ર છે. તેમને અત્યંત ગતિશીલ અને વૈચારિક રીતે સંગઠન પ્રત્યે કટિબદ્ધ માનવામાં આવે છે તેમ પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું. નીતિન નબિનની સંગઠન ક્ષમતા, ચૂંટણી રણનીતિ, વહીવટી અનુભવ અને જમીની સ્તર પર પકડને ધ્યાનમાં રાખતા તેમને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપાઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. પક્ષના સૂત્રો મુજબ આ નિમણૂક માત્ર સંગઠનાત્મક પરિવર્તન નહીં, પરંતુ આગામી સમયમાં રાષ્ટ્રીય રાજકારણની દિશા નિશ્ચિત કરનારું પગલું માનવામાં આવે છે.
બિહારમાં બે વખત મંત્રી તરીકેની સેવા તેમજ છત્તીસગઢમાં પક્ષના ઈન્ચાર્જ તરીકે તેમની ભૂમિકા અસાધારણ રહી છે. તેમણે પક્ષમાં સંગઠનના દરેક સ્તર પર કામ કર્યું છે. યુવા મોરચાથી લઈને રાજ્ય સરકાર અને હવે રાષ્ટ્રીય સંગઠન સુધીમાં તેમનો પ્રવાસ પક્ષની અંદર વિશ્વાસનું પ્રતિક મનાય છે.
દરમિયાન ભાજપે રવિવારે ઉત્તર પ્રદેશમાં પણ પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી પીયુષ ગોયલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં લખનઉમાં પક્ષની ઓફિસમાં એક કાર્યક્રમાં પંકજ ચૌધરીની ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખ તરીકે ઔપચારિક જાહેરાત કરી હતી. પંકજ ચૌધરીએ નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે પદ ગ્રહણ કરી લીધું છે.
મહારાજગંજથી સાત વખત સાંસદ બનેલા અને કેન્દ્રીય નાણાં વિભાગના રાજ્ય મંત્રી પંકજ ચૌધરી કુર્મી સમાજમાંથી આવે છે. પ્રદેશ અધ્યક્ષપદ પર તેમની નિમણૂકને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશમાં ઓબીસી મતબેન્કને મજબૂત કરવાની ભાજપની રણનીતિ તરીકે જોવામાં આવે છે. આ પહેલાં શનિવારે પંકજ ચૌધરીએ એકમાત્ર ઉમેદવાર તરીકે પ્રદેશ પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવી હતી

