રીલ્સના ચક્કરમાં 9 છોકરાઓ નદીમાં ડૂબ્યાં, 5ના મોત: બિહારના ગયાજીમાં મોટી દુર્ઘટના
Bihar News: બિહારના ગયાજીમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની હતી. ખિઝરસરાય વિસ્તારના કેની પુલ નજીક રીલ્સ બનાવવાના ચક્કરમાં 9 છોકરાઓ નદીમાં ડુબી ગયા હતા. આ દરેક નદીના કિનારે રીલ્સ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ઊંડા પાણીમાં જતા રહ્યા હતા અને પોતાને ડુબતા જોઈને બૂમો પાડવા લાગ્યા હતા. બૂમો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા.
છોકરાઓને મહા મહેનતે બહાર કાઢી સારવાર માટે ખસેડાયા
ઘણી મહેનત પછી દરેકને બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક તેમને બેલાગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ બે છોકરાઓને વધુ સારવાર માટે અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તો સાત છોકરાઓને બેલાગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવ્યા હતા, જેમાથી પાંચના મોત થયા છે, જ્યારે બે સારવાર હેઠળ છે.
11 અને 12માં ધોરણના છે તમામ છોકરાઓ
ઘટના અંગં જ્યારે પરિવારને માહિતી મળી ત્યારે આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. પરિવાર પર દુ:ખનું આભ ફાટી પડ્યુ છે. એક માહિતી પ્રમાણે છોકરાઓ શાળાએથી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ નદી કિનારે વીડિયો બનાવવા ગયા હતા અને આ દુ:ખદ ઘટના બની. લોકોએ કહ્યું કે કેટલાક છોકરાઓ 11મા ધોરણમાં હતા, જ્યારે કેટલાક 12મા ધોરણમાં હતા.
આ પણ વાંચો: લદાખ હિંસા: 50 લોકોની અટકાયત, આરોપી કોંગ્રેસ કાઉન્સિલર વિરુદ્ધ કેસ
આ સમગ્ર મામલે નીમુચક બાથણી સબડિવિઝનના એસડીએમ કેશવ આનંદે જણાવ્યું કે સર્કલ ઓફિસર અને સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) ને ઘટના વિશે માહિતી મળી હતી. તેમણે જણાવ્યું કે, 'છ છોકરાઓના નામ મળી ગયા છે. તેઓ તૌસિફ, જાસિફ, સાહિલ, જામ, સુફિયાન અને સાજિદ છે. આ ઘટના કેની ઘાટ નજીક બની હતી. વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.