નજીવી બાબતે બે કિલોમીટર સુધી પીછો કરી ડિલિવરી બોયને કારથી ટક્કર મારી, ઘટનાસ્થળે જ મોત; આરોપી કપલની ધરપકડ

Couple chase delivery agent In Bengaluru: બેંગલુરુમાં એક નજીવી બાબતે રોડ રેજમાં કપલે એક વ્યક્તિની હત્યા કરી નાખી છે. આરોપી મનોજ કુમાર અને તેની પત્ની આરતી શર્માની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ઘટના 25 ઓક્ટોબરની રાત્રે શહેરના પુત્તેનહલ્લી વિસ્તારમાં બની હતી.
પીડિત દર્શન પોતાના મિત્ર વરુણ સાથે બાઈક પર જઈ રહ્યો હતો, જ્યારે આરોપી મનોજ કુમાર અને આરતી શર્મા કારમાં સવાર હતા. બાઈક અને કારના વિન્ડશિલ્ડ વચ્ચે થયેલી નજીવી ટક્કર બાદ વિવાદ એટલો વધી ગયો કે કાર ડ્રાઈવરે બાઈક સવારની હત્યા જ કરી નાખી.
બે કિલોમીટર સુધી પીછો કરી ડિલિવરી બોયની કરી હત્યા
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ગુસ્સામાં આવીને આરોપી કપલે બે બાઈક સવારોનો લગભગ બે કિલોમીટર સુધી પીછો કર્યો અને પછી તેને ટક્કર મારી દીધી. ટક્કરથી દર્શન અને વરુણ હવામાં ઉછળીને પટકાયા અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. વરુણ તો બચી ગયો પરંતુ દર્શનનું ગંભીર ઈજાના કારણે મોત થઈ ગયું.
ટક્કર બાદ કપલ ત્યાંથી ભાગી ગયું પરંતુ બાદમાં માસ્ક પહેરીને ફરી આવ્યા અને કારના તૂટેલા પાર્ટ્સ ઉઠાવીને ફરીથી ભાગી ગયા.
મૃતક ડિલિવરી બોય હતો
ડીસીપી (દક્ષિણ) લોકેશ જગલાસરએ આ સમગ્ર મામલે કહ્યું કે, પોલીસે હત્યાના કેસમાં પુરાવાનો નાશ કરવાનો આરોપ પણ ઉમેર્યો છે. કપલની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. પોલીસે કહ્યું કે, મૃતક એક ગિગ વર્કર હતો જ્યારે આરોપી પતિ શારીરિક કલા શિક્ષક તરીકે કામ કરતો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 103 (1), 109, 238, 324 (5) અને 3 (5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઘટના સાથે સબંધિત સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપી ડ્રાઈવર મનોજે વાહનને ટક્કર મારતા પહેલા લગભગ બે કિલોમીટર સુધી બાઈકનો પીછો કર્યો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે, બંને બાઈક સવાર હવામાં ઉછળીને પટકાયા હતા. આ ઘટના 25 ઓક્ટોબરના રોજ રાત્રે 11:30 વાગ્યે બની હતી. વધુ તપાસ ચાલી રહી છે.


