ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ

Bihar Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચે મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરી છે, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ) સામે ફરિયાદ દાખલ કરી છે. અહેવાલો અનુસાર, લલન સિંહે મોકામામાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેના પગલે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
શું છે આખો મામલો?
અહેવાલો અનુસાર, મોકામામાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલા નિવેદન બદલ કેન્દ્રીય મંત્રી લલન સિંહ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. તેની સામે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. લલન સિંહે મતદાનના દિવસે એક નેતાને ઘરે મોકલી દેવાની ધમકી આપી હતી.
આ અંગે પટણા ડીએમ માહિતી આપી હતી કે, પટણા જિલ્લા વહીવટીતંત્રે વીડિયો સર્વેલન્સ ટીમના વીડિયો ફૂટેજની તપાસ કરી. તપાસ બાદ, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ લલન સિંહ ઉર્ફે રાજીવ રંજન સિંહ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ પણ વાંચો: '...તો બિહારમાં 200 મંદિર બનાવી બતાવો', એક્ટરમાંથી નેતા બનેલા ખેસારી લાલનો NDAને પડકાર
અનંત સિંહની ધરપકડ બાદ લલન સિંહે પ્રચારની જવાબદારી સંભાળી
મોકામામાં જેડીયુ ઉમેદવાર અનંત સિંહની ધરપકડ બાદ, કેન્દ્રીય મંત્રી લલન સિંહે તેમના ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી અને મોકામામાં પ્રચાર કર્યો. આ દરમિયાન લલન સિંહે કહ્યું હતું કે, 'ચિંતા કરશો નહીં, મેં ચાર્જ સંભાળી લીધો છે. અનંત સિંહ અહીં નથી કારણ કે તે નીતિશ કુમારના કાયદાના શાસનનો આદર કરે છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, અને ટૂંક સમયમાં કાવતરું બહાર આવશે.'
ઉલ્લેખનીય છે કે દુલારચંદ યાદવ હત્યા કેસમાં અનંત સિંહની ધરપકડ કરવામાં આવી છે. અનંત સિંહ મોકામામાં એક મજબૂત નેતા છે અને તેમનો મતવિસ્તારમાં નોંધપાત્ર પ્રભાવ છે.

