'...તો બિહારમાં 200 મંદિર બનાવી બતાવો', એક્ટરમાંથી નેતા બનેલા ખેસારી લાલનો NDAને પડકાર

Bihar Election 2025: ભોજપુરી ગાયક-અભિનેતા અને આરજેડી નેતા ખેસારી લાલ યાદવ પણ બિહારની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ખેસારીએ એનડીએની પ્રાથમિકતાઓ પર આકરી ટીકા કરી છે. તેમણે રામમંદિર નિર્માણની જરૂરિયાતનો સ્વીકાર કરતાં રોજગાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત માળખાગત મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાની માગ કરી છે.
બધું જ બનાવો, માત્ર મંદિર જ કેમ?
ખેસારી લાલ યાદવે શાસક પક્ષને સીધો પડકાર આપતાં કહ્યું કે, મારો કહેવાનો અર્થ એ હતો કે, રામ મંદિર બનવુ જરૂરી છે, પરંતુ શું હોસ્પિટલ બનવી જરૂરી નથી. શું રોજગારી જરૂરી નથી. શું શિક્ષણ જરૂરી નથી? મંદિર લોકોના ભવિષ્યનું નિર્માણ કરી શકશે નહીં. તમે દરેક સ્થળે મંદિર બનાવો, પરંતુ શું મંદિર આપણા બાળકોનું ભવિષ્ય નક્કી કરી શકશે? જો મંદિર આપણા બાળકોનું ભવિષ્ય નક્કી કરતુ હોય તો હું ઈચ્છીશ કે, તમે બિહારમાં 200 મંદિર બનાવો અને જુઓ કેટલા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું... ભગવાન આપણા હૃદય અને ભક્તિમાં વસે છે, મંદિરમાં તો માત્ર એક મૂર્તિ છે,
આરજેડી નેતાએ એનડીએ સરકાર પર 20 વર્ષથી સત્તામાં રહ્યા બાદ પણ ઔદ્યોગિક વિકાસમાં પછાત અને રોષ ફેલાવવાનો આરોપ મૂક્યો છે. લોકોને હાલ રોજગારી જોઈએ છે અને એનડીએ ક્યારેય રોજગારની વાત નહીં કરે. હંમેશા હિન્દુત્વ અને સનાતમ ધર્મ, મંદિર-મસ્જિદ, ભારત-પાકિસ્તાનની વાત કરે છે. બેરોજગારીના કારણે લોકોમાં રોષની લાગણી વધી છે. લોકો બેકાર બેઠા હોવાથી રોષ ભભૂકી ઉઠે છે.
અમને કામ જોઈએ છેઃ આરજેડી નેતાની માગ
ખેસારીએ દાવો કર્યો છે કે, 20 વર્ષથી એનડીએની સરકાર છે અને એક પણ કારખાનું નથી. બિહારના યુવાનોનું પલાયન દુઃખદ છે. આપણને ઘરથી દૂર જવા માટે ટ્રેન મળે છે, પરંતુ પરિવાર સાથે રહેવાની તક આપતી નોકરી નહીં. અમે પૈસાની માગ કરતા નથી, અમને કામ આપો. અમે કમાવીશું અને અમારા બાળકોનું પાલન-પોષણ કરીશું. પરંતુ આ લોકો અમને ક્યારેય કામ આપતા નથી.

