મહાગઠબંધનની પાર્ટીઓ જે બેઠકો પર એકબીજા સામે લડી ત્યાં હારી! NDAએ જીતી તમામ 11 બેઠકો

Bihar Election Result : બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-જેડીયુના ગઠબંધન NDAની ભવ્ય જીત થઈ છે, જ્યારે આરજેડી-કોગ્રેસની મહાગઠબંધનની શરમજનક હાર થઈ છે. આમ તો મહાગઠબંધનના સાથી પક્ષો વચ્ચે બેઠક વહેંચણી થઈ હતી, છતાં 11 બેઠકો પર બંને પક્ષોના ઉમેદવારો સામ-સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા, જેના કારણે બંને પક્ષોએ 11 બેઠકો ગુમાવવી પડી છે અને તે તમામ બેઠકો પર એનડીએનો વિજય થયો છે.
મહાગઠબંધને આ 11 બેઠકો પર સામસામે ઉમેદવાર ઉતારવા ભારે પડ્યા
મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU)એ સાત બેઠકો વૈશાલી, રાજાપાકડ (સુરક્ષિત), બેલદૌર, કહલગાંવ, સુલ્તાનગંજ, ચૈનપુર અને કરગહર બેઠકો પર જીત મેળવી છે. જ્યારે ભાજપે ત્રણ બેઠકો બિહારશરીફ, બછવાડા અને નરકટિયાગંજ બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે NDAની સાથી પક્ષ હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)એ સિકંદરા (સુરક્ષિત) બેઠક જીતી છે. એટલે કે મહાગઠબંધને આ 11 બેઠકો પર સામ-સામે ઉતાર્યા હાત, જેનો લાભ સીધો NDAને થયો છે.

મહાગઠબંધનને આંતરિક વિવાદ, સીટ વહેંચણીમાં વિલંબ ભારે પડ્યો
વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમાં રાજાપાકડ અને કરહગર બેઠક કોંગ્રેસે જીતી હતી, હવે મહાગઠબંધને આ બંને બેઠક ગુમાવવી પડી છે. મહાગઠબંધનની રણનીતિથી સ્પષ્ટ થાય છે કે, સાથી પક્ષોમાં આંતરિક વિવાદ અને સીટ વહેંચણીમાં થયેલા વિલંબના કારણે NDAને મોટો ફાયદો થયો છે અને એક પણ બેઠક ગુમાવ્યા વગર તમામ 11 બેઠકો પર જીત મેળવી છે.
આ પણ વાંચો : તેજ પ્રતાપની પાર્ટી JJDએ NDAને આપ્યું સમર્થન, બહેન રોહિણીને પણ મોટી ઓફર

