મહા ગઠબંધનમાં ટેન્શન! 5 બેઠકો પર RJD-કોંગ્રેસ વચ્ચે કોકડું ગૂંચવાયું, CMના ચહેરા મુદ્દે પણ અસમંજસ

Bihar Election News : આગામી બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે મહા ગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીને લઈને ચાલી રહેલી વાટાઘાટો હજુ પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં મેરેથોન બેઠકો યોજાવા છતાં બંને પક્ષો વચ્ચે પાંચ બેઠકો પર ગૂંચવણ યથાવત્ છે.
આ પણ વાંચો: પંજાબમાં AAP ને જોરદાર ઝટકો, સીએમ ભગવંત માનના જિલ્લાના 8 કાઉન્સિલરે પાર્ટી છોડી
કઈ બેઠકો પર વિવાદ?
આ વિવાદિત બેઠકોમાં બાયસી, બહાદુરગંજ, રનીગંજ, કહલગાંવ અને સહરસાનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમાંથી કોઈ પણ પક્ષ એક પણ બેઠક પર સમાધાન કરવા તૈયાર નથી, જેના કારણે વાટાઘાટો ગૂંચવાઈ ગઈ છે. સૂત્રોના મતે, 2020ની વિધાનસભા ચૂંટણીમાં RJDએ રનીગંજ, સહરસા અને બાયસી બેઠકો પરથી ચૂંટણી લડી હતી જ્યારે કોંગ્રેસને કહલગાંવ અને બહાદુરગંજ બેઠક મળી હતી. જોકે, આ પાંચેય બેઠકો પર બંને પક્ષોનો પરાજય થયો હતો.
કયા પક્ષને કઈ બેઠક પર લડવું છે?
આ દરમિયાન RJD ઇચ્છે છે કે કોંગ્રેસ કહલગાંવ અને બહાદુરગંજ બેઠકો છોડી દે. જ્યારે કોંગ્રેસની માંગ છે કે રનીગંજ, સહરસા અને બાયસી બેઠકો પર ચૂંટણી લડવા મળે. વરિષ્ઠ નેતાઓના હવાલાથી એક અહેવાલમાં જણાવાયું છે કે ગઠબંધનમાં અન્ય સહયોગી પક્ષોની સંખ્યા વધવાથી દરેક પક્ષના ક્વોટામાં કાપ મૂકવો પડી રહ્યો છે, જેના કારણે આ વિવાદ ઊભો થયો છે.
કહલગાંવ પર RJDની એકતરફી નિર્ણય
આ વાટાઘાટોની વચ્ચે RJDએ કોંગ્રેસ સાથે પરામર્શ કર્યા વિના કહલગાંવ બેઠક પર યાદવ ઉમેદવારને ટિકિટ આપવાનું આશ્વાસન આપી દીધું હોવાથી કોંગ્રેસ નારાજ છે. બુધવારે તેજસ્વી યાદવે આ જ બેઠક પરથી પોતાના ચૂંટણી પ્રચારની શરુઆત પણ કરી દીધી, જેનાથી કોંગ્રેસની નારાજગી વધી. તેજસ્વી સાથે ઝારખંડ સરકારના મંત્રી સંજય યાદવના પુત્ર રજનીશ યાદવ હાજર હતા, જે RJDના સંભવિત ઉમેદવાર માનવામાં આવે છે. નોંધનીય છે કે 2020માં કહલગાંવમાં ભાજપના પવન કુમાર યાદવે કોંગ્રેસના શુભાનંદ મુકેશને મોટા માર્જિનથી હરાવ્યા હતા.
અન્ય વિવાદિત બેઠકો વિશે જાણો
રનીગંજ: 2020માં JDUના અચમિત ઋષિદેવે RJD ઉમેદવારને 2,304 વોટના ઓછા માર્જિનથી હરાવ્યા હતા.
સહરસા: ભાજપના આલોક રંજન ઝાએ RJDના લવલી આનંદને 19,679 વોટથી માત આપી હતી.
બાયસી અને બહાદુરગંજ: આ બંને બેઠકો પર AIMIMના ઉમેદવારોએ જીત મેળવી હતી, જેઓ પાછળથી 2022માં RJDમાં સામેલ થઈ ગયા હતા.
CM પદના ચહેરા મુદ્દે પણ ખેંચતાણ
સીટ વહેંચણી ઉપરાંત મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઈને પણ બંને પક્ષોમાં અસહમતિ છે. આ મામલે RJDનું સ્ટેન્ડ સ્પષ્ટ છે કે તેજસ્વી યાદવ જ મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો હશે. જ્યારે કોંગ્રેસે આ અંગે સહમતિ દર્શાવી રહી નથી. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે પાર્ટી પરંપરાગત રીતે CM ચહેરો જાહેર કરતી નથી.
કોંગ્રેસના નેતાઓને કઈ વાતનો ડર?
કોંગ્રેસના કેટલાક નેતાઓને એવી આશંકા છે કે જો યાદવ સમુદાયમાંથી CM ચહેરો જાહેર થશે, તો ગેર-યાદવ OBC વોટ બૅન્ક ભારતીય જનતા પાર્ટી (BJP) તરફ વળી જશે, જેમ કે હરિયાણામાં જોવા મળ્યું હતું. જવાબમાં, RJDનું કહેવું છે કે તેઓ મહાગઠબંધનની સૌથી મોટી પાર્ટી છે અને સરકાર બનવા પર મુખ્યમંત્રી RJDનો જ હશે, જ્યારે અન્ય પક્ષો પોતાના નાયબ મુખ્યમંત્રીના ચહેરા નક્કી કરી શકે છે.
કોંગ્રેસની ઉમેદવારોની યાદી તૈયાર
સીટ વહેંચણી પર ગતિરોધ હોવા છતાં, કોંગ્રેસે પોતાના 25 ઉમેદવારોના નામ અંતિમ સ્વરૂપ આપી દીધું છે. બુધવારે દિલ્હીમાં મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ(CEC)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પાંચ વર્તમાન ધારાસભ્યોનો સમાવેશ થાય છે. શુક્રવારે બિહાર સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ CEC ટૂંક સમયમાં અંતિમ યાદી જાહેર કરશે.